ઊંઝા તાલુકાના ઉનાવા ગામ નજીક વરિયાળીમાં કૃત્રિમ લીલો રંગ ઉમેરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું એક મોટું કૌભાંડ મહેસાણા ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. મળેલ બાતમીના આધારે, મહેસાણા જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર વી. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મંગળવારે ઉનાવાના શનિદેવ મંદિર પાસે આવેલા શિવગંગા એસ્ટેટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં નીમકુમાર ગોવિંદભાઈ પટેલ નામના વેપારીના ગોડાઉનમાં આ ભેળસેળની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.
ફૂડ વિભાગની ટીમે જ્યારે સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે જાણવા મળ્યું કે, સામાન્ય વરિયાળીને વધુ આકર્ષક અને ચમકદાર બનાવવા માટે તેમાં કેમિકલયુક્ત લીલો રંગ ભેળવવામાં આવી રહ્યો હતો. આ રંગીન અને ભેળસેળવાળી વરિયાળીને બજારમાં વેચવા માટે 'વી.ની.ગોલ્ડ' બ્રાન્ડ હેઠળ ૧-૧ કિલોના પેકેટમાં તૈયાર કરવામાં આવી રહી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર ઉમંગભાઈ રાવલે આ વરિયાળી બજારમાં ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ કાર્યવાહી કરી હતી અને સ્થળ પરથી ૪,૭૬૬ કિલો વરિયાળીના ૧૫૮ જેટલા કટ્ટા (અંદાજિત કિંમત રૂ. ૮,૫૭,૮૮૦) સીઝ કર્યા હતા.
બજારમાં કુદરતી રીતે લીલી અને ચમકદાર વરિયાળીના ઊંચા ભાવ મળતા હોવાથી કેટલાક સ્વાર્થી વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં આવું હલકી કક્ષાનું કૃત્ય કરતા હોય છે. હાલમાં જપ્ત કરાયેલા વરિયાળીના નમૂનાઓને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત આગળની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.





