ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત સરહદી માવસરી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો ને એક મોટી સફળતા મળી આવી છે.જેમાં આંતર રાજ્ય રાજસ્થાન સરહદ તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના પોષડોડાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ધટનાની વિગત મુજબ ગત તારીખ ૧૪/૦૬/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧૩:૩૦ વાગ્યે માવસરી-બાખાસર રોડ પર આવેલ પોલીસ ચેક પોસ્ટ પર ફરજ પરના પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન રાજસ્થાનના બાખાસર તરફથી આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ (રજીસ્ટ્રેશન નંબર: AR-11-G-2100) ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં
પોલીસ સ્ટાફ દ્વારા ડ્રાઈવરના કેબીનમાં તપાસ કરતા, ડ્રાઈવર સીટની નીચેથી એમેઝોન અને મિંત્રાના પેકિંગમાં સંતાડેલી પ્લાસ્ટિકની બે થેલીઓ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં તેમાં નશાકારક પદાર્થ પોષડોડા હોવાનું જણાતા, તુરંત જ ઉચ્ચ અધિકારીઓ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. FSL ના સાયન્ટિફિક ઓફિસર દ્વારા પરીક્ષણ કરાતા આ જથ્થો ઓપીયમ આલ્કોલોઇડ્સ (પોષડોડા) હોવાનું પોઝિટિવ આવ્યું હતું.
ઝડપાયેલ મુદ્દામાલ: માદક પદાર્થ (પોષડોડા): ૦.૯૧૩ કિલોગ્રામ (ચોખ્ખું વજન), જેની અંદાજિત કિંમત ₹૧૩,૬૯૫/- એન્ડ્રોઇડ મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત ₹૫,૦૦૦/-) લક્ઝરી બસ: રજીસ્ટ્રેશન નંબર AR-11-G-2100 (કિંમત ₹૮,૦૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૮,૧૮,૬૯૫/- નો મળી આવ્યો હતો
આરોપી તરીકે લકઝરી બસ નો ચાલક૧. દેવીદાન પ્રહલાદદાન ગઢવી (ઉંમર: ૪૦ વર્ષ, ધંધો: ડ્રાઈવિંગ, રહે: સયેદ કા તલા, તા. ચૌહટન, જી. બાડમેર, રાજસ્થાન) – (સ્થળ પરથી ધરપકડ) કરી જેલ હવાલે કરાયો છે ૨. સવાઈસિંહ નીંબસિંહ રાજપૂત (રેહ. આલમસર, તા. ચૌહટન, જી. બાડમેર) – જથ્થો આપનાર.
૩. દલપતસિંહ વસંતસિંહ રાજપૂત (રહે. રામસર, રાજસ્થાન, હાલ રહે. મુંદ્રા, કચ્છ) – જથ્થો મંગાવનાર. પોલીસ કાર્યવાહી ચાલુ છે. પકડાયેલા મુખ્ય આરોપી ડ્રાઈવર દેવીદાન ગઢવીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો તેને સવાઈસિંહ રાજપૂતે આપ્યો હતો અને તે મુંદ્રા (કચ્છ) ખાતે રહેતા દલપતસિંહ રાજપૂતને પહોંચાડવાનો હતો. હાજર નહીં મળી આવેલા અન્ય બે આરોપીઓને પકડવા પોલીસે તેજ ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે માવસરી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ ૮(સી), ૧૫(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષભાઈ દલજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.





