મુખ્ય લાઇન ચોકઅપ બનતા અનેક વોર્ડમાં ગટર ઉભરાવવાની સમસ્યાઓ સજૉઈ
પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વસ્ત્રાલ તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આને કારણે હાઇવે વિસ્તાર સહિત વોર્ડ નંબર 4, 5, 6 અને 11માં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે.નગરપાલિકાની ભૂગર્ભ ગટરની મુખ્ય રાઇઝિંગ લાઇનમા પંચર પડ્યું હતું.સમયસર સમારકામ ન થવાને કારણે આખી લાઇન ચોકઅપ થઈ ગઈ છે. આ બ્લોકેજને લીધે ઉપરોક્ત વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે.આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે, નગર પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ગટરનું ગંદુ પાણી વસ્ત્રાલ તરફ જતી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. આ કેનાલ મૂળભૂત રીતે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હતી અને તે પાટણ શહેરના મધ્ય માંથી પસાર થાય છે.
કેનાલ મારફતે ગટરનું પાણી તળાવમાં ઠલવાતા વડલી, અનાવાડા અને પાટણ સિટીના મધ્ય માંથી પસાર થતા કેનાલ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાનો અને મચ્છરોનો ઉપદ્રવ વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી આ ભય વધુ ઘેરો બન્યો છે. તળાવના પાણીનો ઉપયોગ પશુઓ અને સ્થાનિક રહીશો દ્વારા નહાવા તથા અન્ય કાર્યો માટે થતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે.પાટણ નગરપાલિકાના સદસ્ય અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે ઉગ્ર માંગ કરી છે. તેમણે ઇરિગેશન શાખા અને નગરપાલિકાના અધિકારીઓને તાકીદે સ્થળ મુલાકાત લઈ કેનાલ મારફતે તળાવમાં જતું ગટરનું ગંદુ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.





