સોમનાથ કોલ્ડ સ્ટોરેજ નજીક અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત: સમગ્ર પંથક અને સમાજ શોકમગ્ન, સિવિલ હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા
ડીસાના રાણપુર રોડ પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાણપુર રોડ પર આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ નજીક સર્જાયેલા એક ભયાનક હિટ એન્ડ રનના અકસ્માતમાં એક્ટિવા ચાલક ૧૮ વર્ષીય આશાસ્પદ યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે સમગ્ર ડીસા પંથક સહિત ઠક્કર સમાજમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, ઠક્કર સમાજની દીકરી લક્ષ્મી ઘનશ્યામભાઈ ઠક્કર (ઉં.વ. ૧૮) પોતાનું એક્ટિવા લઈને રાણપુર રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સોમનાથ કોલ્ડ સ્ટોરેજ નજીક એક બેફામ ગતિએ આવી રહેલા અજાણ્યા વાહને લક્ષ્મીના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ લક્ષ્મી રોડ પર પટકાઈ હતી. અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ કાળજું કંપાવી દેનારી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ મૃતક દીકરીના પરિવારજનો સહિત ઠક્કર સમાજના અને સ્થાનિક લોકોના ટોળેટોળા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદ અને ચિચિયારીઓથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
ઘટનાની માહિતી મળતા જ ડીસા ઉત્તર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.





