કેરળમાં પ્રાર્થનાસભામાં 3 બ્લાસ્ટ, એકનું મોત, 36 ઘાયલ:વિસ્ફોટ દરમિયાન 2 હજાર લોકો હાજર હતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું. કેરળના એર્નાકુલમમાં એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલ વાયર, બેટરી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી. બોમ્બ ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ તરફ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીથી NSG બોમ્બ સ્ક્વોડને પણ કેરળ મોકલવામાં આવી છે. NSGની આ ટીમમાં બે વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે જેઓ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરશે. આ વિસ્ફોટ બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં દરેક જગ્યાએ માત્ર આગ અને ધુમાડો જ દેખાઈ રહ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે.

નોંધનીય છે કે, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજય હાલ દિલ્હીમાં છે. વિજયન ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે અને આ વિસ્ફોટ તેમના રાજ્યમાં થયો છે. આ વિરોધ ડાબેરી પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે બપોરે 3 વાગે દિલ્હીથી કેરળ જવા રવાના થશે.

આ વિસ્ફોટ અંગે કેરળના ડીજીપી ડો. શેખ દરવેશ સાહેબે કહ્યું, આજે સવારે 9:40 વાગ્યે ઝમરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 36 લોકોની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, સંમેલન કેન્દ્રમાં એક પ્રાદેશિક પરિષદ થઈ રહી હતી. અમારા તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે. એડિશનલ ડીજીપી પણ રસ્તામાં છે. હું પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જઈશ. અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ, અમે આની પાછળ કોણ છે તે શોધી કાઢીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું.

સૂત્રોનું કહેવું છે કે, આગ લાગવા માટે ઘણા ઓછા ગ્રેડના વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ કેસની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોની હાલત ગંભીર છે તેમાંથી મોટાભાગના લોકો દાઝી ગયા છે. કેરળના ડીજીપી ડો. શેખ દરવેશ સાહેબે કહ્યું કે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ, અમે શોધીશું કે આ માટે કોણ જવાબદાર છે. પ્રાથમિક તપાસમાં તે IED બ્લાસ્ટ હોવાનું જણાય છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનને લઈને પણ મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારતમાં યહૂદી સ્થાનો આતંકવાદીઓના નિશાન બની શકે છે. એટલું જ નહીં, તાજેતરમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા બે ISIS આતંકવાદીઓએ મુંબઈના ચાવર્ડ હાઉસમાં એક મહત્વપૂર્ણ યહૂદી સ્થળની તપાસ પણ કરી હતી અને ત્યાંના વીડિયો વિદેશી આતંકવાદીઓને મોકલ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.