
મહેસાણામાં શાંતિથી પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ ઉપર ડેરીવાળા તુટી પડ્યા
મહેસાણાની દૂધસાગર ડેરીના સત્તાધિશોનો આક્રમક ચહેરો સામે આવ્યો છે. અભ્યાસ કર્યા બાદ નોકરી નહિ મળતાં રજૂઆતને અંતે વિદ્યાર્થીઓએ ધરણાં શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓને શાંતિથી પ્રદર્શન કરતા જોઇ ડેરીના સત્તાધિશો લાઠી વડે તુટી પડ્યાં હોવાની ઘટના સામે આવી છે. સદબુધ્ધિ યજ્ઞ કરતા રોકી દૂધસાગર ડેરીના અધિકારીઓ અને સિક્યુરીટી ગાર્ડ સહિતના જે થાય તે કરી લો શબ્દ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા.
મહેસાણા દૂધસાગર ડેરીના કોર્ષ સામે નોકરીની ખાત્રી આપવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને નોકરી નહિ આપવામાં આવતા આક્રોશ ઉભો થયો છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા ડેરીના સત્તાધિશોને ૧૦ દિવસ પહેલા આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી. જોકે કોઇ પરિણામ નહિ મળતાં આજે મોટી સંખ્યામાં એકઠા થઇ વિદ્યાર્થીઓએ ડેરી સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ પછી ડેરીના સત્તાધિશોને સદબુધ્ધિ મળે તે માટે યજ્ઞ કરતા દરમ્યાન ઉગ્ર ઘર્ષણ થયાનું સામે આવ્યુ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સદબુધ્ધિ યજ્ઞ શરૂ થાય તે પહેલા ડેરીના અધિકારીઓ અને સિક્યુરીટી ગાર્ડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. જેમાં યજ્ઞની સામગ્રી ઝુંટવી લેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. આ દરમ્યાન સિક્યુરીટી ગાર્ડ અને ડેરીના સત્તાધિશો લાઠી વડે વિદ્યાર્થીઓ ઉપર તુટી પડ્યા હતા. જેમાં હર્ષ પટેલ, સિધ્યન સહાય, વિરલ રાજપૂત અને સોહિલ મકવાણા સહિતના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ડેરીના સત્તાધિશોની દાદાગીરીને પગલે વિદ્યાર્થી આલમમાં ભારોભારો આક્રોશ ફાટી નિકળ્યો છે .
દૂધસાગર ડેરીના પરિપત્ર ક્રમાંક સી.એસ.૦૪ તારીખ ૧૨-૬-૨૦૧૫ અનુસાર ગણપત યુનિવર્સીટી હેઠળ મિલ્ક પ્રોડક્શન અને ડેરી મેનેજમેન્ટનો ૪ વર્ષનો કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં ૧૦૦ ટકા નોકરીની બાંહેધરી પણ ડેરી દ્રારા આપવામાં આવી હતી. જોકે ૨૦૧૯માં અભ્યાસ પૂરો કરેલ વિદ્યાર્થીઓ કોર્ષ મુજબની નોકરીથી વંચિત રહ્યા હોવાનું સામે આવતા એબીવીપી મેદાને આવ્યુ છે. વિદ્યાર્થીઓ દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ડેરીના સંચાલકો દ્રારા સંતોષપૂર્ણ જવાબ આપવામાં આવેલ નથી. આ સાથે ૨૦૨૦માં પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખતરામાં લાગી રહ્યું હોવાથી એબીવીપીએ ન્યાયની માંગ કરી છે.