પોલીસે માર માર્યાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા

ગુજરાત
ગુજરાત

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની ૨૦ મેના રોજ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં પાલ આંબલીયાને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આથી આજે પાલ આંબલીયાએ પરિવારની સહમતીથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા સાથે અરજી કરી હતી. તેમજ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હિતેશ ગઢવી અને એસીપી જયદીપસિંહ સરવૈયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી. જો કે આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ અરજીના આધારે તપાસ કરીને ફરિયાદ દાખલ કરશે કે નહીં તે અંગે આવનારો સમય નક્કી કરશે.

પાલ આંબલીયાએ આક્ષેપો કર્યા છે કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસે કરોડોની મિલકત છે. પાલ આંબલીયા સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વીજ મકવાણા અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હાજર રહ્યા હતા. ઋત્વીજ મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પાલ આંબલીયાને માર મારવાના મામલે આજે કોંગ્રેસે સ્ટેન્ડ લીધું છે. કોઇ પણ કર્મચારી કિન્નાખોરી રાખશે તો તેમને ખુલ્લા પાડીશું. મહેસૂલી કર્મચારી હોય કે પછી પોલીસ કર્મચારી હોય તેમની સામે હવે કાયદેસરની ફરિયાદો નોંધાવીશું.

પાલ આંબલીયાએ અરજીમાં જણાવ્યું છે કે, મારી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. મારી ગેરકાયદેસર અટકાયત કરી મને લાકડીઓથી માર માર્યો હતો અને મારી પાસે ગેરકાયદેસર કબૂલાત કરાવી તેમજ મને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ અધિકારી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ હિતેશ ગઢવી અને મારા હાથ પકડનાર કોન્સ્ટેલે ગેરકાયદેસર રીતે અટકાયત કરી અને મને મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા મારી અરજ છે.

ખેડૂતોની ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળતા નથી તેવા આક્ષેપ સાથે પાલ આંબલીયા ૨૦ મેના રોજ ખેડૂતો અને કાર્યકરો સાથે કલેક્ટર કચેરીએ કપાસ, ડુંગળી, એરંડાની બોરી લઇને ગયા હતા. ત્યારે પોલીસે પાલ આંબલીયા સહિત પાંચની ધરપકડ કરી હતી. બાદમાં તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. બીજા દિવસે ૨૧મેના રોજ પાલ આંબલીયાને મામલતદાર સમક્ષ જામીન માટે હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે પાલ આંબલીયા બેભાન થઇ જતા કોંગ્રેસના નેતાઓ દોડી ગયા હતા અને સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સમયે પાલ આંબલીયાએ આક્ષેપો કર્યા હતા કે, મને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.