સુરતમાં પોઝિટિવ કેસનો આંક ૧૩૩૭ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૬૧ અને રિકવરી આંક ૯૦૨ થયો

ગુજરાત
ગુજરાત

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૩૩૭ થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૬૧ થઈ ગયો છે. ગતરોજ વધુ ૨૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી રિકવરી આંક ૯૦૨ પર પહોંચી ગયો છે. નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ફરી એક વખત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો સમાવેશ થયો હતો. જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી, પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા તબીબ અને જિલ્લા સેવાસદનમાં ફરજ બજાવતી મહિલા ક્લાર્કનો સમાવેશ થયો હતો. તે સિવાય સાંઈ બાબા મંદિરના પૂજારી, કુરીયર કંપનીનો ડિલીવરી બોય, એસી મીકેનીક, મીલ સુપરવાઈઝર તેમજ ચાની લારી ચલાવતા આધેડનો સમાવેશ થયો છે.

સલાબતપુરા, ઇન્દરપુરા ખાતે રહેતા મનસુખભાઈ તુલસીદાસ જરીવાલા (૨૫) ચૌટાબજારના સાંઈબાબા મંદિરમાં પૂજારી છે. શંકાસ્પદ લક્ષણો બાદ સેમ્પલ તપાસ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોડાદરા ખાતે રહેતા અને ઉધનામાં કુરીયર ડિલીવરી કરવાનું કામ કરતા દેવયાંક ક્રિષ્ણચંદ પાંડે(૨૬)નો તેમજ વરાછા શ્રી ક્રિષ્ણા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને એસી રિપેરિંગનું કામ કરનાર અલ્પેશભાઈ અમૃતલાલ પેધાડીયા (૪૨) અને વેડરોડ અમૃતધારા કોમ્પલેક્ષ ખાતે રહેતા અને દાદા મિલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મધુસૂદન ભુપતીનાથ મંડલ(૫૬)નો પણ શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કતારગામના અજીતભાઈ ભગવાન ડોડીયા(૩૮)૧૦૮ એમ્બ્યુલન્સમાં ઈએમટી છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કતારગામ ફાયર સ્ટેશનના કર્મચારીઓને કોરન્ટાઈન કરી ફાયર સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. લિંબાયતખાતે રહેતા ડો. જાવિદ એસ માન્યાર (૩૯) પ્રાઈવેટ ક્લિનીક ચલાવે છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગોડાદરાના શીલાબેન દિનેશપટેલ(૨૬) જીલ્લા સેવા સદનમાં રેવન્યુ ક્લાર્ક છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ગોપીપુરા, દાના એપાર્ટમેન્ટ ખાતે રહેતા શેખ જાવિદ શેખ મઝીદ (ઉ.વ.૨૩) ગોપીપુરા ફિસલ્લી મસ્જીદ પાસે કેરીનો ધંધો કરે છે. કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો જે શનિવારે પોઝિટિવ આવ્યો છે. કેરીના વેચાણ દરમિયાન તેમને કોઈક ગ્રાહક દ્વારા ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. તેવી જ રીતે રૂઘનાથપુરા, વરાછા શેરી ખાતે રહેતા ઠાકોરભાઈ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૫૭) દિલ્હી ગેટ પાસે ચાની લારી ચલાવે છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.