દેશમાં ઘૂસાડાતા ડ્રગ્સને પકડવા સરકાર દ્વારા અનેક પગલાં છતાં : ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ અટકતું નથી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના પ્રમાણમાં વધારો:ગુજરાતમાં ત્રણ વર્ષમાં 21 હજાર કરોડ રૂપિયાનું 60 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું: તાજેતરમાં જ પોરબંદરના અરબી સમુદ્ધમાં એક હજાર કરોડ કિંમતનું 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. તેના ચાર દિવસ પહેલાં જ વેરાવળ બંદરે 350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. નોંધનીય છે કે છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના પ્રમાણમાં વધારો થયો છે. સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં ડ્રગ્સનો કુલ 60 હજાર કિલો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 21 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. આ દરમિયાન 2 કરોડથી વધુ વિદેશી દારૂની બોટલો, બિયર ટિન અને 31 લાખ લિટર દેશી દારૂનો જથ્થો પણ પકડાયો હતો. આ તમામ દારૂની કિંમત 372 કરોડ રૂપિયા હતી. જપ્ત કરાયેલા જથ્થામાં સૌથી વધુ 15 હજાર કરોડનું એમડી. ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોષડોડા, કોકેઇન, અફીણ, બ્રાઉન સુગર વગેરે કેફી પદાર્થો પણ મળી આવ્યા છે. તેમ જ 1300 લિટર એમડી ડ્રગ્સ લિક્વિડ ફોર્મમાં પણ પકડાયું હતું. સરકાર દ્વારા અનેક પગલાં ભરવા છતાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનું અટક્યું નથી. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના વિસ્તારમાંથી દેશમાં ઘૂસાડાતા ડ્રગ્સને પકડવા માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

3 વર્ષમાં 372 કરોડનો દારૂ-બિયર ઝડપાયો: 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં 2.04 કરોડ વિદેશી દારૂ અને બિયર બોટલ-ટિન પણ ઝડપાયા છે, જ્યારે 31.43 લાખ લિટર દેશી દારૂ પણ પકડાયો છે. આ તમામની કુલ કિંમત 372.60 કરોડ રૂપિયા છે. આ દરમિયાન વિદેશી દારૂની 1.85 કરોડ બોટલ તો 19.43 લાખ બિયર બોટલ-ટિન પકડાયા છે. ઝડપાયેલા વિદેશી દારૂ, બિયર અને દેશી દારૂની અનુક્રમે કિંમત 345 કરોડ, 6.24 કરોડ અને 21.16 કરોડ રૂપિયા હતી. 2022-23માં જ 130 કરોડ રૂપિયાનો વિદેશી-દેશી દારૂ ઝડપાયો છે.

કેફી પદાર્થ જથ્થો (કિગ્રા/નંગ) કિંમત(રૂ.)
એમડી 381 15,451 કરોડ
હેરોઇન 921 5,107 કરોડ
મેથાએમ્ફેટામાઇન 63 424 કરોડ
ગાંજો 3,693 33.23 કરોડ
મેફેડ્રોન 17 15.98 કરોડ
ચરસ 789 14.77 કરોડ
કફશિરપ બોટલ નંગ 62,794 86.47 લાખ
અન્ય 20,866 13.87 કરોડ
કુલ 60,076 21,061 કરોડ

પાસા હેઠળ કાર્યવાહી માટે 6660 દરખાસ્ત મોકલાઈ: 30 જૂન 2023 સ્થિતિએ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં જિલ્લા પોલીસવડા દ્વારા પાસા(ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટિ સોશિયલ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને 6,660 દરખાસ્તો મોકલાઇ હતી. તૈ પેકી હજુ 94 આરોપીઓને પકડવાના બાકી છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા સરકારે પ્રોહિબિશન કાયદામાં સુધારો કરી સજા વધારી છે. અવારનવાર પ્રોહિબિશન ડ્રાઇવ કરી બુટલેગર્સ પર કેસ કરવામાં આવે છે. ચેકપોસ્ટો પર ચેકિંગ કરીને આરોપીઓની અટકાયત કરવામાં આવે છે. આટલા બધા પગલાં છતાં ગુજરાતમાં દારૂનું દૂષણ અટકતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.