ગાંધીનગરમાં જવેલર્સની દુકાનોનાં તાળા તોડી રોકડ-દાગીના ચોરનાર દાહોદની ત્રિપુટી ઝડપાઈ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરનાં સેકટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારમાં બે જવેલર્સની દુકાનોના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજીત સાડા ચાર લાખના મુદામાલની ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદની ત્રિપુટીને ઝડપી પાડવામાં આવી છે. ઘરફોડ ચોરી કર્યા પછી સગીર સહીતની ત્રિપુટી વતન દાહોદ ભાગી જઈ દાગીના – રોકડા અંદરોદર વહેંચી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.તાજેતરમાં સેકટર – 21 ડિસ્ટ્રીક્ટ શૉપિંગ સેન્ટરમાં આવેલી દાગીના જવેલર્સ તેમજ સેકટર – 24 ની શ્રીનાથ જવેલર્સ નામની દુકાનોના મોડી રાતે તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ 50 હજાર રોકડ મળી અંદાજીત સાડા ચાર લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ સેકટર – 21 પોલીસ મથકના પીઆઈ વી આર ખેરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે જવેલર્સની દુકાનમાં ત્રણ ચોરોએ ખાતર પાડયું હોવાનું સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં બહાર આવ્યું હતું.બીજી તરફ દાહોદ એલસીબીએ જેસાવાડા આશ્રમ રોડ ખાતેથી શકમંદ હાલતમાં ભાગી રહેલા વિપુલ રૂપસિંગ મેડા (ઉ. 23. રહે. નઢેલાવ ગામ, તા. ગરબાડા, જી. દાહોદ) ને ઝડપી લેવાયો હતો. આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વિપુલ મેડા, સુક્રમ બાલુભાઈ મેડા (ઉ.વ.19, રહે.નઢેલાવ, ગરબાડા) તેમજ એક સગીર આરોપીએ ભેગા મળીને ઉપરોક્ત બંને જ્વેલર્સની દુકાનોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્રણેય છૂટક મજૂરીના બહાને ગાંધીનગર આવ્યા હતા.

બાદમાં ત્રણેય જણા દાગીના અને રોકડ રકમ વહેંચી લઈ દાહોદ ભાગી ગયા હતા. જેમાં વિપુલનાં ભાગમાં ચાંદીના પાયલ જોડ- 7, ચાંદીના ઝુડા નંગ- 4,ચાંદીની લક્કી (પોચી) નંગ- 3 આવી હતી. જ્યારે સુક્રમ મેડાના ભાગે ચાંદીની પાયલ જોડ – 7, ચાંદીની પોચી (લક્કી) નંગ-4, ચાંદીનો ઝુડો નંગ-1, સોનાની વીંટી નંગ-2 તેમજ સોનાના જેવા પીળી ધાતુના પાટલા જોડ નંગ – 13, હાર નંગ-9 તથા લક્કી નંગ-1 તેમજ ચાંદીના પાયલ જોડ- 6, ચાંદીના ઝુડા નંગ- 1, ચાંદીની લકી નંગ- 3 કાયદાના સંઘર્ષ આવેલ બાળ આરોપીના ભાગે આવ્યા હતા.ઉક્ત મુદ્દામાલ વહેંચણી કર્યા પછી સુક્રમ અને બાળ આરોપીએ પોતાના હિસ્સાના દાગીના ઘરે સંતાડી દીધા હતા. પરંતુ વિપુલ મેડા પોતાના હિસ્સાના દાગીના થેલીમાં લઈને વેચવા માટે નીકળી પડ્યો હતો. જેની શંકાસ્પદ વર્તણૂંક જોઈને પોલીસે ઉઠાવી લીધો હતો. હાલમાં આરોપીઓની ટ્રાન્સફર વોરંટનાં આધારે 1 લાખ 49 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.