
નારદીપુરમાં મોબાઈલમાં ગેમ રમવા બાબતે કિશોરની હત્યા
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના નારદીપુરમાં મોબાઈલ ફોનમાં ગેમ રમતા કિશોરની હત્યા કરવાની ઘટના બની છે, આ મામલે ૪ શકમંદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. છોકરો સ્કૂલેથી આવીને મોબાઈલ ફોનમાં ગેમ રમતો હતો અને તે બાબતે માથાકૂટ થઈ હતી અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારાણ કરી લેતા છોકરાની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસે આ કેશમાં ત્રણ શકમંદ કિશોરોને પકડીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મોબાઈલ ફોન રમવાની બાબતે બોલાચાલી થતા સ્કૂલેથી આવેલા કિશોર પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. આજના યુગમાં જે પ્રમાણે ટેક્નોલોજીનું ચલણ વધી રહ્યું છે, આમાં સામાન્ય રીતે એક ઘરમાં એકથી વધુ સ્માર્ટફોન રહેતા હોય છે. આવામાં બાળકો મોબાઈલ ફોન લઈને તેમાં વીડિયો જોવાની અને ગેમ રમવાની લત પડી જતી હોય છે. આ લતના કારણે વાલીઓએ મુશ્કેલીમાં મૂકાવું પડતું હોય છે.
ઘરમાં વડીલ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોય ત્યારે બાળકો પણ તેના તરફ આકર્ષાતા હોય છે, આવામાં વાલીઓએ બાળકોની સામે મોબાઈલ ફોનનો ઉપયોગ સમિત કરવો જોઈએ જેથી કરીને બાળકો તેના માટે વધારે જીદ ના કરે. આ સાથે બાળકોને વડીલોની હાજરીમાં દિવસના અમૂક નિશ્ચિત સમય માટે જ ફોન આપવો જોઈએ. બાળકોને મોબાઈલની લત ના પડે તે માટે તેમને બીજી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રાખવાની પણ બાળકોના ડૉક્ટર્સ દ્વારા સલાહ આપવામાં આવે છે.
રમત-ગમત, સ્વિમિંગ, પેઈન્ટિંગ જેવી પ્રવૃત્તિઓમાં બાળકોને પ્રવૃત્ત રાખવાથી મોબાઈલનો વધારે પડતો ઉપયોગ ટાળી શકાય છે. બાળકોના ડૉક્ટર એવી પણ સલાહ આપતા હોય છે કે બાળકને કોઈ કામની લાલચ આપવા માટે કે શાંતિથી બેસી રહે તે માટે મોબાઈલ ફોન આપવાનું ટાળવું જોઈએ. નાના બાળકોને ખવડાવવા માટે પણ મોબાઈલ ફોનની લાલચ આપવાનું ડૉક્ટર ટાળવા માટે કહે છે.