૩૦ કેજરીવાલે, ૧૯ નરેન્દ્ર મોદીએ સભા સંબોધી : વિધાનસભા ચૂંટણી

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો જાહેર પ્રચાર હવે પૂર્ણ થયો છે અને હવે સોમવારે મતદાન યોજાશે. બરાબર એક મહિના અગાઉ એટલે કે ૩ નવેમ્બરના ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર માટે છેલ્લા એક મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૩૫, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦, આમ આદમી પાર્ટીના સુપ્રીમો-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૯ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે સભા સંબોધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ-કોંગ્રેસ-આપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. ભાજપના પ્રચારનો મુખ્ય મદાર નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, પરષોત્તમ રૃપાલા પર જોવા મળ્યો હતો. વડાપ્રધાને ૧૯ નવેમ્બરના વલસાડ સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે ૨૦મીએ વેરાવળ-અમરેલી-ધોરાજી-બોટાદ, ૨૧મીએ સુરેન્દ્રનગર-જંબુસર-નવસારી, ૨૩મીએ મહેસાણા-દાહોદ-વડોદરા-ભાવનગર, ૨૪મીએ પાલનપુર-મોડાસા-દહેગામ-બાવળમાં જનસભા સંબોધી હતી. આ પછી તેમના દ્વારા ૨૭-૨૮ નવેમ્બર, ૧-૨ ડિસેમ્બરના ૧૪ જનસભા સંબોધવામાં આવી હતી.આમ, તેમણે ૧૩ દિવસમાં જ ૩૦ સભા તેમજ કેટલાક રોડ શો યોજ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૨૦મીથી તાપી જિલ્લાના નીઝર ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અનેક સ્થળોએ દિવસની ચાર-ચાર જનસભા સંબોધી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નસવાડીથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને તેમણે કુલ ૨૪ જેટલી સભા સંબોધવા ઉપરાંત રોડ શો યોજ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધીએ ૨૧ નવેમ્બરે સુરતના મહુવા અને ત્યારબાદ તે જ દિવસે સાંજે જનસભા સંબોધી હતી. આ સભાઓ સંબોધ્યા બાદ તેઓ ‘ભારત જોડો’યાત્રા માટે પરત ફર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે છેલ્લા એક સપ્તાહમાં વધુ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે ૨૭ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી કુલ ૮ સભાઓ સંબોધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ સભાઓ યોજવામાં આવી હતી.
‘આપ’ના અરવિંદ કેજરીવાલે ચૂંટણી જાહેર થયા બાદ ૧૯ જનસભા યોજી હતી અને કેટલાક રોડ શો યોજ્યા હતા. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ચૂંટણીને કારણે મનિષ સિસોદિયા પ્રચાર દરમિયાન ઓછા જોવા મળ્યા હતા. જેમના સ્થાને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા વધારે સભા યોજવામાં આવી હતી.
તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓએ આદિવાસી બેઠકથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. જેમાં નરેન્દ્ર મોદીએ ૩ આદિવાસી બેઠક ધરાવતા વલસાડ જિલ્લા, અમિત શાહે નિઝર, રાહુલ ગાંધીએ સુરતના મહુવા, મલ્લિકાર્જુન ખરગેએ નર્મદાના ડેડિયાપાડા બેઠકથી પ્રચારની શરૃઆત કરી હતી.
ગુજરાતમાં બે સપ્તાહમાં ૩૦૦થી વધુ સભા
: મોટાભાગના પક્ષોએ વિધાનસભા ચૂંટણી પ્રચારનો ઝંઝાવાતી પ્રારંભ ૧૯ નવેમ્બર બાદ કર્યો હતો.
: છેલ્લા બે સપ્તાહમાં જ રાજ્યમાં ૩૦૦થી વધુ ચૂંટણી સભા યોજાઇ હતી.
: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ૧૫ દિવસમાંથી ૯ દિવસ ગુજરાતમાં હતા. તેમણે છેલ્લા બે સપ્તાહમાં જ તમામ ૩૦ સભા સંબોધી હતી.૨૦૧૭ની ચૂંટણીમાં તેમણે કુલ ૩૪ સભા સંબોધી હતી.
: કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાજુર્ન ખરગે ૨૭ નવેમ્બરથી પ્રચારમાં સક્રિય થયા હતા અને તેમણે ડેડિયાપાડામાં સભા સાથે પ્રચારનો પ્રારંભ કર્યો હતો.
: રાહુલ ગાંધીએ સુરતના મહુવા અને રાજકોટમાં સભા સંબોધી હતી.
: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ૧૫ જેટલી સભા-રોડ શો યોજ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.