૬ વર્ષીય ભાણી ઉપર દુષ્કર્મ આચરી મામાએ મારી નાખી
ગરબાડાઃ દાહોદ જિલ્લાના ગરબાડાથી છ વર્ષીય બાળકીને બાઇક ઉપર બેસાડીને બે કિમી દૂર નળવાઇ ગામે જંગલમાં લઇ જઇને ૨૨ વર્ષીય યુવાને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ સાથે તેનું ગળુ દબાવીને હત્યા પણ કરી નાખી હતી. દુષ્કર્મ કરનારો નરાધમ બાળકીનો કુટુંબી મામા હોવાનું સામે આવ્યુ હતું. આ યુવાન હત્યાના ગુનામાં છ માસ પહેલા જ જેલમાંથી જામીન મુક્ત થયો હતો.
બાળકીને મારીને ૪૦ ફૂટ દૂર ફેંકી દીધી
ગરબાડા ગામના તળાવ ફળિયામાં રહેતો ૨૨ વર્ષીય શૈલેષ નારસિંગ માવી હત્યાના ગુનામાં છ માસ પહેલાં જ જેલમાંથી જામીન મુક્ત થયો હતો. તેના મગજમાં વાસનાનો કીડો સળવળતા ૩૧મી જાન્યુઆરી શુક્રવારની સાંજે ૫.૩૦ વાગ્યે તળાવ ફળિયામાં જ રહેતી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી પોતાની કુટુંબી ભાણી એવી છ વર્ષીય બાળકીને સાંજના સમયે ચણા અપાવવાના બહાને પોતાની બાઇક ઉપર બેસાડીને બે કિમી દૂર નળવાઇ ગામે નીલગીરીના જંગલમાં લઇ ગયો હતો.ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું સાથે ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. વાસના સંતોષ્યા બાદ પોતાનું કૃત્ય છુપાવવા માટે શૈલેષ બાળકીની લાશને ૪૦ ફુટ દુર ફેંકી દીધી હતી. કંઇ બન્યુ જ ન હોય તેમ તે પાછો ગરબાડા આવી ગયો હતો.
આરોપી પોલીસ મથકના જ સીસીટીવીમાં કેદ થયો
જોકે, બાળકીને બાઇક ઉપર લઇ જતાં શૈલેષની સગી માસી અને બાળકીની સગી નાની એવી અમદુબેન બિલવાળે જોયો હોવાથી તેની પુછપરછ કરતાં તેણે પરત છોડી દીધી હોવાની વાત કરી હતી. શોધખોળ બાદ થાકેલો પરિવાર પોલીસ મથકે ધસી જઇને તેની સામે શંકા વ્યક્ત કરી હતી. બાઇક ઉપર બાળકીને લઇ જતો શૈલેષ પોલીસ મથકના જ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. પુછપરછ છતાં કબૂલાત નહીં કરતાં અંતે રાતના ૧.૧૫ વાગ્યે શૈલેષ સામે અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. પરોઢિયે તેણે ગુનો કબૂલી લીધો હતો.બાળકીનું ગળુ ભીંચીને હત્યા કરાઇ હોવાનું પોસ્ટ મોર્ટમમાં સામે આવ્યુ છે. પોલીસે ઘટના સ્થળેથી લોહીના નમૂના મેળવીને અપહરણના ગુનામાં દુષ્કર્મ અને હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. આ ઘટનાથી આખા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
૨૨ માસ પહેલાં મિત્રની પરિણીત પ્રેમિકાને જીવતી સળગાવી હતી
ગરબાડા તાલુકાના નળવાઇમાં કુટુંબી ભાણી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેનાર કુટુંબી મામા એવો ૨૨ વર્ષીય યુવાન શૈલેશ માવી ગુનાઇત માનસિકતા ધરાવે છે. ગત ૧૨ માર્ચ ૨૦૧૮ની રાત્રે શૈલેશ ગરબાડા ગામના તળાવ ફળિયામાં જ લક્ષ્મીબેન નામક એક યુવતીને જીવતી સળગાવીને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં શામેલ હતો. પરિણીત એવી લક્ષ્મીબેન તેના મિત્ર કિશન ઉર્ફે રોનક ભાભોરની પ્રેમિકા હતી.
આરોપી બાળકીનો કુટુંબી મામો છે. જે અગાઉ પણ એક હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. જામીન પર મુક્ત થયેલો છે