સુરત : બોર્ડની પરીક્ષાના 2 દિવસ પહેલા જ માતા પિતાને ગુમાવનાર વિદ્યાર્થિનીની જીવન-શિક્ષણ બંનેની કસોટી શરૂ
સુરતઃ મહુવા તાલુકાના કાની ગામે સોમવારે સર્જાયેલા અકસ્માતમાં કાની ગામના દંપતીએ જીવ ગુમાવ્યો હતો. મોપેડ લઈ મહુવા હાટ બજારમાં જઈ રહ્યાં હતા તે સમયે ટ્રકની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારના દીકરો અને દીકરી નોંધારા બની ગયા છે. આજે જ્યારે બોર્ડની પરીક્ષા આપનારી મૃતક દંપતીની દીકરીએ અંત:કરણની વેદનાઓ વ્યક્ત કરી હતી. આજે ધોરણ 10ની પરીક્ષાની સાથે જીવન-શિક્ષણ બંનેની કસોટી શરૂ થઈ છે.સરકારી અધિકારી બનાવવાનું સપનુ હંમેશા જોતા હતારીંકલ નાયકાએ જણાવ્યું હતું કે, હું બોર્ડની પરીક્ષા જરૂર પૂર્ણ કરીસ, મારા પપ્પા મમ્મીનું સપનુ મને મામલતદાર બનાવવાનું હતું. હવે મામલતદાર બની મારા મૃત માતા પિતાનું સપનુ પુરૂ કરવું છે. મારૂ સપનુ ડોક્ટર બનવાનું હતું, પરંતુ હવે મારે ડોક્ટર નથી બનવું. મારે તો મારા પપ્પાનું સ્વપ્નને જ સાકાર કરવું છે. મારા મમ્મી પપ્પાએ મારા અને મારા નાના ભાઈ જયેશ નાયકાના અભ્યાસ પાછળ ખૂબ ધ્યાન આપતા હતા. મને બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલયમાં અભ્યાસ માટે મારા પિતાજીએ મૂકી હતી, બોર્ડનું વર્ષ હોવાથી હું વધુ ટકા લાવી શકું, તે માટે ટ્યુશન પણ ચાલું કરાવ્યું હતું. આટલું જ નહીં, મારા પપ્પા રીક્ષા ચલાવતા હોય, તેમ છતાં મને દરરોજ સવારે 7 વાગ્યે રિક્ષામા બારડોલી મૂકવા અને સાંજે 5 વાગ્યે લેવા આવતા હતાં. મારા છૂટવાના સમયે રિક્ષાનું કોઈ પણ ભાડું હોય ના પાડી દેતા હતા, મને લેવામાં કોઇ દિવસ સમય ચૂક્યા નથી. મારા પપ્પા દિવસ દરમિયાન રિક્ષા ચલાવે અને મમ્મી પશુપાલનનો વ્યવસાય કરતાં હતા. અમને સારી શાળામાં ભણાવી સરકારી અધિકારી બનાવવાનું સપનુ હંમેશા જોતા હતા. આજે ભલે અમારી વચ્ચે તેઓ નથી, પરંતુ તેમનું સ્વપ્ન હું જરૂર પુરૂ કરીને જ રહીશ.ઘટના શું હતી?મહુવા તાલુકાના કાની ગામે રહેતા આનંદભાઈ રામુભાઈ નાયકા ગત રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પત્ની રેખાબેન આનંદભાઈ નાયકા સાથે એક્ટિવા મોપેડ (GJ-19-AS-5628) લઈ મહુવા હાટવાડો કરવા માટે જઈરહ્યા હતા. દરમિયાન ગામની સીમમાં આવેલા હનુમાનજી મંદિર નજીક એક ટ્રક (GJ-03-AT-4600)ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આનંદભાઈ નાયકાની મોપેડને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા મોપેડ ટ્રકના આગળના ટાયર નીચે આવી ગઈ હતી અને બંને પતિ પત્ની રોડ પર ઘસડાઈ માર્ગની બાજુમાં પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ગ્રામજનોને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગંભીર ઘવાયેલ દંપતીને સારવાર માટે મહુવા સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને આનંદભાઈ નાયકા(ઉ.વ.35) અને રેખાબેન નાયકા (ઉ.વ.32)ને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી.શાળાએ કહ્યું ઈચ્છા હોય તો હોસ્ટેલમાં રહેજેઅસ્તાન શાળામાં અભ્યાસ કરતી રિંકલના ઘરે જે ઘટના બની તેના સમાચાર મળતા જ શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષકે બુધવારે રીંકલના ઘરે આવી તેને બોર્ડની પરીક્ષા આપવા માટે સમજાવી હતી, અને પરીક્ષા દરમિયાન આવાગમન માટે તકલીફ ન પડે તે માટે કન્યા વિદ્યાલય હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી.પરિવારમાં નાનો ભાઈ અને દિવ્યાંગ દાદા-દાદીકાની ગામના આનંદ નાયકાના પરિવારમાં 2 સંતાન અને પત્ની તથા દિવ્યાંગ વૃધ્ધ માતા પિતા છે. તેમની સારસંભાળની જવાબદારી આનંદભાઈ લેતા હતા. પરંતુ તેમના મોત બાદ 15 વર્ષની દીકરી રીંકલના માથે 13 વર્ષનો માસૂમ ભાઇ સિવાઇ દિવ્યાંગ દાદા દાદીની જવાબદારી પણ આવી ગઇ છે.