સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ, કુલ ૮ દર્દીઓ નોંધાયા
સુરત
સુરતમાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ શહેરમાં કોરોનાના ૮ દર્દીઓ નોંધાયા છે.UAEથી ૨૧ માર્ચે આવેલા ૨૬ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક સુરત સમરસ હોસ્ટેલના કોરોન્ટાઈનમાં હતો. પરંતુ તેનામાં લક્ષણો દેખાતા
જ્યારે સુરતમાં UKથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો છે. રિકવરી દેખાતા બીજો રિપોર્ટ ૨૪ કલાક બાદ કરાશે. ત્યારબાદ યોગ્ય લાગશે તો રજા પણ આપી દેવાશે એવું પાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના બે દિવસમાં વધુ ૯ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓમાંથી બે દિવસ પહેલાના બે અને ગત રોજના એક મળી કુલ ૩નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ૬ વ્યક્તિનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જ્યારે સુરતમાંથી શ્રમજીવીઓની હિજરત રોકવા સમિતિની સ્કૂલોને રાહત કેમ્પમાં ફેરવવામાં આવી રહી છે.
આરોગ્ય અને ફાયર વિભાગની મદદથી જાહેર જગ્યાથી લઈને સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શાકમાર્કેટ ૨૨૧, અન્ય ૧૪૪૫, જાહેર અવર જવર વાળી જગ્યા ૧૦૭૮ (સરકારી અને ખાનગી), રોડ ૯૯, હોમકોરોન્ટાઈનના ઘર ૪૫૮૯ મળી કુલ ૮૩૭૭ જગ્યાઓ સેનેટાઈઝ કરવામાં આવી છે. ગત ૨૦ માર્ચથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના વધુ ૭ શંકાસ્પદ દર્દીઓ શનિવારે સામે આવ્યા છે. સામે આવેલા તમામ ૭ શંકાસ્પદ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, મોટા વરાછા વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરી, કતારગામ વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા, અડાજણ વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેમના લક્ષણો શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
જોકે રાહતની વાત એ છે કે શુક્રવારના રોજ સામે આવેલા બે શંકાસ્પદો અને શનિવારના શંકાસ્પદો પૈકીની એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં પર્વત પાટિયા વિસ્તારના પોઝિટિવ દર્દીની સાથે કોલકાતાનો પ્રવાસ કરી આવેલા તેમના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેવી જ રીતે ડિંડોલીની વૃદ્ધાનો અને પાલનપુર જકાતનાકાની ૪૦ વર્ષીય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૯ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં શહેરમાં કુલ ૬ અને જિલ્લામાં ૧ દર્દી મળી કુલ ૭ પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ૧ દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ૫૭ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ ૬ વ્યક્તિના રિપોર્ટ પેંડિંગ છે.