સરકારે હેલ્મેટ મુદ્દે પલ્ટી મારતાં પ્રજામાં આક્રોશ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ચોથી ડિસેમ્બરે કરેલી રાજ્યના શહેરોમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાતને આજે ગુજરાત હાઈકોર્ટે રદ બાતલ ઠેરવી છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં હેલ્મેટ મરજિયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઇ સત્તાવાર જાહેરાત પણ કરી નથી. ફરજિયાત છે તેવું કહ્યું હતું. ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એકટની અમલવારી બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા વિરોધ વંટોળના કારણે રાજ્ય સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલકો માટે મહાનગરોમાં હેલ્મેટ પહેરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને હેલ્મેટને ફરજિયાતને બદલે મરજિયાત કરવામાં આવ્યું હતું. જા કે, તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની રિટ અરજીમાં રાજય સરકારે પોતાનું વલણ ફેરવી તોળતાં ગુજરાતની પ્રજામાં ઉગ્ર આક્રોશ ફેલાવા પામ્યો છે. રાજય સરકાર તરફથી હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સ્પષ્ટ કરાયું છે કે, ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરતો કોઇ પરિપત્ર કરાયો નથી. ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, મરજિયાત કરવામાં આવ્યું નથી. સરકારે એ વાતની સ્પષ્ટતા પણ કરી છે કે, ટુ-વ્હીલરમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.