
શિક્ષાની જગ્યાએ સેવા કરાવતા શિક્ષકનો વિદ્યાર્થીઓ પાસે કાર ધોવડાવી ભારે પડી
મહુધાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પોતાની ગાડીઓ ધોવડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. તેમજ શિક્ષક સામે કડક પગલા લેવા માંગ કરી હતી. બીજી તરફ શાળાના અન્ય શિક્ષકનું કહેવું છેકે, આ વીડિયો જુનો છે તેમજ આ બાબતે શિક્ષક સાથે વાત થઇ હતી અને તેમણે આજ પછી આવું નહીં થાય તેમ માફી પણ માંગી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મહુધાની ભુમસ પ્રાથમિક શાળામાં ધોરણ ૬,૭ અને ૮મા ગણિત વિષય ભણાવતા જયદીપ પટેલ નામના શિક્ષક દ્વારા પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવડાવતા હોવાનો એક ૧૮ સેકંડનો વીડિયો વાયરલ થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભુમસની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા દર અઠવાડિયે આ શિક્ષક દ્વારા પોતાની ગાડી વિદ્યાર્થીઓ પાસે ધોવડાવવામાં આવતી હતી. એટલુ જ નહિ પરંતુ પાંચમા અને છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીઓને આ શિક્ષક ગાળો બોલીને બોલાવતો હતો. જેનું ઓડિયો રેકોર્ડિંગ કરી કેટલાક ગામનાજ કટકી બાજો દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી નાણા પણ પડાવી લીધા હોવાનુ મનાઇ રહ્યુ છે.
બીજી તરફ શિક્ષકની કેટલીક વૃત્તીઓ અટકાવવા ગામનાજ કોઇ ઇશમ દ્વારા વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર ધોવડાવતો વીડિયો વાયરલ કર્યો હોવાનુ મનાઇ રહ્યું છે. ત્યારે શિક્ષણ જગતને લાંછન લગાડતા વીડિયોથી શિક્ષકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહુધામા મોટા ભાગના શિક્ષકો રાજકીય નેતાઓની છત્રછાયા નીચે ચાલુ શાળાએ મહુધા-ડાકોર રોડ પર ચા ની કીટલીયો પર લટાર મારતા જોવા મળતા હોય છે.ત્યારે ભુમસની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોતાની ગાડી ધોવડાવતા વાયરલ થયેલા વીડિયોથી શીક્ષકોમાં ફફ્ડાટ વ્યાપી ગયો છે.
આ અંગે આચાર્ય પુજાબેન પટેલને પુછતા તેમણે જણાવ્યુ હતું કે, એકાદ મહિના પહેલાનો વીડિયો છે. શિક્ષક સાથે આ બાબતે વાત કરી છે,આજ પછી આવું નહિ બને તેવું કહ્યું છે. ગઇ કાલે મારી પાસે વીડિયો આવ્યો એટલે તુરંત શિક્ષકને જણાવ્યુ કે, તમે આવું કરાવ્યું હતું તેનો વીડિયો આવ્યો છે. જે બાબતે શિક્ષકે ખુલાસો કર્યો હતો કે, છોકરાઓ પાણી છાંટતા હતા,એટલે મેં ગાડી પર પ્રેશર મરાયું હતું, ધોવડાવી નથી. પણ આજ પછી આવું નહિ બને તેવી ખાતરી આપી હતી.