
વડોદરાના નવા સિહોરા-અજબપુરાને જોડતા બ્રિજ પરથી ડમ્પર મેસરી નદીમાં ખાબક્યું, ડ્રાઇવરને ૩ જેસીબીની મદદથી બહાર કાઢ્યો, સારવાર દરમિયાન મોત
વડોદરાઃ ડેસર તાલુકાના નવા સિહોરા અને અજબપુરાને જોડતી મેસરી નદી પરના બ્રિજ પરથી રેલિંગ તોડીને ડમ્પર નદીમાં ખાબક્યુ હતું. જેમાં ડ્રાયવર અને ક્લિનરને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ડ્રાઇવરને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
ડ્રાઇવરને બહાર કાઢવા ૩ જેસીબી કામે લગાડ્યા
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા સિહોરા અને અજબપુરાને જોડતી મેસરી નદી પરના બ્રિજ પરથી સાવલીથી ઉદલપુર તરફ ટેન્કર જઇ રહ્યું હતું. આ સમયે ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું હતું. જેમાંથી ક્લિનરને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ડ્રાયવરનો પગ ડમ્પર નીચે દબાતા ૩ જેસીબીની મદદને કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડ્રાઇવરને પણ ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. અને બંને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સાવલી જન્મોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવરને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડ્રાઇવરનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ડ્રાઇવર મૂળ ડેસર તાલુકના નવા સિહોરા ગામનો વતની હતો અને હાલ સાવલીના પ્રથમપુરા ગામમાં રહેતો હતો.
લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા
ઘટનાની જાણ થતાં નવા સિહોરા અને અજબપુરાના ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદરૂપ પણ થયા હતા.