
જામનગર : હોમિયોપેથી ક્લિનિકમાં લાગેલી આગ કાબૂમાં, બાજુમાં ટ્યુશન ક્લાસમાં ભણતા બાળકોને જીવના જોખમે લોકોએ રવેશમાંથી બહાર કાઢ્યા
જામનગર: શહેરના જી.જી. હોસ્પિટલ નજીક આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સના પહેલા માળે આવેલા ડો.બત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પલેક્સના રવેશમાંથી જીવના જોખમે લોકોએ બહાર કાઢ્યા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાનિના સર્જાઇ નથી. સુરત જેવા દ્રશ્યો જામનગરમાં જોવા મળ્યા હતા. ઘટનાને પગલે બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.સુરતમાં ટ્યુશન ક્લાસમાં આ રીતે જ આગ લાગી હતી. પરંતુ જામનગરમાં ટ્યુશન ક્લાસની બાજુમાં એક દિવાલ પછી આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં આગ લાગી હતી. આથી સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ થતી અટકી હતી. લોકો પણ આગ જોતા જ દોડી ગયા અને એક પછી એક વિદ્યાર્થીને રવેશમાંથી બહાર કાઢતા ગયા. આ ઘટનામાં લોકોએ 12થી 15 વિદ્યાર્થીઓને રવેશમાંથી બહાર સલામત રીતે કાઢ્યા હતા.હોમિયોપેથી ક્લિનિકમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ક્લિનિકમાં ફાયર સેફ્ટીના સાધનો જ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ રાધેક્રિષ્ના એવન્યુ નામના આ કોમ્પલેક્સમાં આવેલી એક પણ ઓફિસો અને દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો નથી. સિવાય કે સુપર ગ્રેવીટી ટ્યુશન ક્લાને છોડતા. આ ક્લાસિસ પાસે ફાયર સેફ્ટીના સાધનો માટેનું NOC છે.