ચીનની હુબેઇ યુનિ.માં ફસાયેલા વડોદરાના ૨ સહિત ગુજરાતના ૧૮ વિદ્યાર્થીઓ વુહાન એરપોર્ટ પર પહોંચ્યા, આજે મોડી રાત્રે ભારત આવશે
વડોદરાઃ
કોરોના વાઈરસને પગલે ચીનના વુહાન શહેરની હુબેઇ યુનિવર્સિટીમાં ફસાયેલા વડોદરાના ૨ વિદ્યાર્થીઓ સહિત ગુજરાતના તમામ ૧૮ વિદ્યાર્થીઓ વુહાન એરપોર્ટ પર પહોંચી ગયા છે. વડોદરાની શ્રેયાના પિતા શશીકુમાર અને માતા નિધિ જૈમને જણાવ્યું હતું કે, તેઓને હોસ્ટેલમાંથી બસ મારફતે વુહાન એરપોર્ટ પર લઇ જવામાં આવ્યા છે. જોકે પ્લેન ક્યારે ટેક ઓફ થશે તે હજુ સુધી નક્કી છે. પરંતુ આજે મોડી રાત સુધીમાં દિલ્હી આવી જાય તેવી શક્યતા છે. કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વુહાન શહેરનો લોકડાઉન કરેલુ હોવાથી વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતિત હતા.
શ્રૈયાના પિતા શશીકુમાર અને માતા નિધિ જૈમને જણાવ્યું હતું કે, અમારી દીકરી સહિત તમામ ૩૮ જેટલા ભારતીય સ્ટુડન્ટ હુબેઇ યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી નીકળીને એરપોર્ટ પર પહોંચી ગયા છે. અમારી દીકરી જલ્દી જ ઘરે આવે તેમ ઇચ્છીએ છીએ. પરંતુ તેઓ આવવાના છે તેની અમને ખુબ જ ખુશી થઇ રહી છે. આવતીકાલે સવાર સુધીમાં તેઓ ઘરે આવી જશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે,
ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જ્યાં વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં ગુજરાતના ૧૮ સહિત ભારતના ૩૮ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં વડોદરાના પણ બે સ્ટુડન્ટ ફસાયેલા છે. જેમાં વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા અને સમા તળાવ વિસ્તારના વૃંદ પટેલ પણ સામેલ છે. જોક ભારતથી એક પ્લેન ચીનના વુહાન એરપોર્ટ પર વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.