
ગુજરાતમાં વધુ ૫ કેસ પોઝિટિવ, આંકડો ૧૮ એ પહોંચ્યો.
ગુજરાત
સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન(WHO) દ્વારા પણ વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ભારતમાં અત્યાર સુધી ૩૪૮ લોકો આની ચપેટમાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં કુલ ૧૮ કેસ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં ૦૭ કેસ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં ૩-૩ કેસ, રાજકોટ અને કચ્છમાં ૧-૧ કેસ પોઝિટિવ આવ્યા છે. આ રીતે ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૧૮ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ ૨૭૩ રિપોર્ટ કરાયા જેમાં ૨૫૩ નેગેટિવ આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં વધુ એક કેસ પોઝિટિવ હોવાની આશંકા છે. યુવકના ૮૦ વર્ષના દાદીને પણ કોરોનાની અસર થઈ હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ CM રૂપાણીએ યુવાનના દાદીને ચેપ લાગ્યાની વાત કહી હતી. આ પહેલા ગાંધીનગરના યુવાનનો ગઈકાલે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના લાઇવમા યુવાનના દાદીને ચેપ લાગ્યો હોવાની વાત કહી હતી.
સીએમ રૂપાણીએ કહ્યું કે ૬૦થી ૬૫ વર્ષના લોકોએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાંત તેમણે કહ્યું કે વિદેશથી આવેલા લોકો ક્વોરોન્ટાઈનમાં જાય. મોરબીમાં એક શખ્સ હોમ ક્વોરોન્ટાઈન છોડીને ગયો. ઉપરાંત તેમણે કહ્યું કે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સીએમે કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, લડીશું તો જ જીતીશું.