
ઉ.ગુજરાતઃ સવારથી જ વાદળછાયા વાતાવરણથી ઉભા પાકને અસર
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 27 અને 28 ફેબ્રુઆરીના રોજ કેટલાક ભાગમાં કમોસમી વરસાદને લઇને આગાહી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બદલાયેલા વાતાવરણથી પંથકમાં ઉભા પાકને અસર થઇ શકે છે. રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠું થાય તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ શકે છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ફરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જો માવઠું થાય તો ઘઉં, જીરૂં, વળીયારીના પાક નુકસાન થવાની ભીંતી સેવાઇ રહી છે. જગતનો તાત ફરી મુશ્કેલીમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.