પ્રેરણાદાયી જીવન થકી આગવી સુગંધ પ્રસરાવનાર વઢિયાર પંથક લોલાડાના સ્વાતંત્ર્ય સેનાની પૂજનીય જમનાદાસ ઠકકર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભારત દેશ તેના સ્વાતંત્ર્યનો અમૃત મહોત્સવ ઉજવી રહેલ છેઃદેશભરના સ્વાતંત્ર્ય સેનાનીઓનું દિવ્ય સ્મરણ કરીને તેમને અંજલિ આપવામાં આવી રહી છે.ત્યારે આપણને થાય કે આપણા વઢિયાર પંથકના સ્વાતંત્ર્ય વીરો કોણ? એ સમયે વઢિયાર રાધનપુર સ્ટેટમાં હતું.તેનાં ૧૫૯ ગામો હતાં.આ ગામોને રાધનપુર, સમી, મુજપુર,બળોધણ અને વેડ એમ પાંચ મહાલોમાં વહેંચી નાખવામાં આવ્યાં હતાં.રાધનપુર સ્ટેટની આસપાસ વારાહી,સાંતલપુર,કાંકરેજ,દસાડા જેવી જાગીરો હતી.

આ સ્ટેટોમાં આઝાદીની લડતની વાત પહોંચી ન હતી.કારણ કે મોટેભાગે આ વિસ્તારમાં શિક્ષણ ન હતું.ગામના મંદિરોમાં થોડાક છોકરાંઓને શિક્ષણ અપાતું અને તે પણ બ્રાહ્મણ અને વેપારીના.રાધનપુરમાં પહેલીવાર ઈ.સ.૧૯૧૦ માં એક શાળા શરૂ થઈ હતી.
આ વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો તો થોડાં નામ મળી આવ્યાં છે.તેમાં એક હતા વઢિયાર પંથક લોલાડાના જમનાદાસ ઠકકર. જમનાદાસ બચપણથી જ બહુ વિચક્ષણ હતા.તેમના પિતાનું નામ પ્રાગજીભાઈ અને માતાનું નામ કુંવરબા હતું.તેમણે લોલાડામાં જ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.એ સમયે રાધનપુર,કાંકરેજ,વારાહી(મોટી જતવાડ),હિંદવાણી(દિયોદર) વિગેરે વિસ્તારો માટે મોટું વેપારી મથક હારીજ હતું.કારણ કે અમદાવાદથી હારીજ સુધીની રેલ્વે લાઈન નખાયેલી હતી.પહેલાં ઊંટ,બળદગાડાં,ગધેડાં વિગેરે પશુઓ દ્રારા માલની અવરજવર થતી.પણ રેલ્વે આવતાં ગુડઝ ટ્રેઈન દ્રારા વેપાર ચાલવા લાગ્યો એટલે હારીજ વ્યાપાર ક્ષેત્રે ધમધમતું થયું.

રેલ્વે ટ્રેઈન આવવાને કારણે રોજ અખબાર-છાપું પણ આવવા લાગ્યું.જમનાદાસજી પ્રવાસના શોખીન અને ચીજવસ્તુઓ લેવા હારીજ પગે ચાલતા અથવા બળદગાડામાં જાય.હારીજથી તેઓ છાપું લઈ આવે અને ગામના યુવાનોને વંચાવે. તે સમયે આઝાદીની લડત પૂરજાેશમાં ચાલે.છાપું એ સમાચારોથી ભર્યું ભર્યું હોય.

૧૯૪૨ની નવમી ઓગસ્ટે ગાંધીજીએ મુંબઈમાં નારો આપ્યો-કવીટ ઈન્ડિયા,અંગ્રેજાે હવે દેશ છોડો.અંગ્રેજાેએ તે જ સમયે ગાંધીજી અને દેશના ઉચ્ચ નેતાઓની ધરપકડ કરી.આ ધરપકડે દેશને હચમચાવી દીધો અને ગામે ગામ તેનો વિરૂધ્ધ કરવા હડતાળો યોજાઈ.લોલાડામાં પણ સરઘસ નીકળ્યું અને કવીટ ઈન્ડિયાના નારા લાગ્યા.દરેક ગામમાં સ્ટેટના વહીવટદાર,સીમાડા કામદાર-ચોકીદાર,પોલીસ પટેલ વિગેરે હોય.આ સમાચાર રાધનપુરના નવાબ પાસે પહોંચ્યા.તે સમયે રાધનપુરના નવાબ હતા-જલાલુદીનખાનજી.અંગ્રેજાે કાયદાનું ચૂસ્ત પાલન કરાવે.નવાબ મહમદ શેરખાનજીએ કાયદાનો ભંગ કરવાને કારણે બ્રિટીશ સરકારે મહમદ શેરખાનજીને ગાદી ઉપરથી ઊઠાડી મૂક્યા અને એડમીનીસ્ટ્રેશન મૂકવામાં આવ્યું.સને ૧૯૦૯ ની પહેલી જુલાઇએ મીસ્ટર ચીમનરાય હરરાય પાસેથી કોલાબાના ડેપ્યુટી કલેક્ટર મી.એ.ઓ.કોરેશીએ એડમીનીસ્ટ્રેટરનો ચાર્જ સંભાળી લીધો.

કુમાર જલાલુદીનખાનજી નાના હોવાથી તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા.તેઓ જયારે ૨૧ વર્ષના થયા ત્યારે તારીખ ૨૭-૧૧-૧૯૧૧ ના રોજ તેમને કારોબાર સોંપ્યો.કહેવાય છે કે-અંગ્રેજાેની કૂટનીતિને કારણે મહમદ શેરખાનજીને દરિયામાં ડૂબાડીને મારી નાખવામાં આવેલ. અંગ્રેજી શાસનની આવી કડક નીતિને કારણે રાધનપુર સ્ટેટમાં આઝાદીની લડતની કોઈ વાત કરે તો તેના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે.હારીજ,લોલાડા વિગેરે વિસ્તારમાં લોહાણા યુવાનો આઝાદીની ચળવળ ચલાવી રહ્યા છે એ સમાચાર મળતાં જ નવાબ ગુસ્સે થઈ ગયા.

તેમણે ગુપ્તચર દ્રારા તપાસ કરાવી તો જાણવા મળ્યું કે લોલાડામાં જમનાદાસ નામનો એક યુવાન આ ચળવળ ચલાવે છે.જમનાદાસજીએ રવિશંકર મહારાજ અને ભૂદાન નેતા વિનોબાજી સાથે પણ કામ કર્યું હતું.

રાધનપુર નવાબનું ફરમાન આવ્યું.જમનાદાસ ઠકકર અને તેમના પરિવારને રાધનપુર સ્ટેટમાંથી હદપાર કરવામાં આવે છે.આ સમાચાર રવિશંકર મહારાજને મળ્યા.તેઓ તથા ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધ લેખક સ્વામી આનંદ લોલાડા આવ્યા અને જમનાદાસ ઠકકરના પરિવારને લઈને રાધનપુર સ્ટેટની બહાર વણોદ ગામે લઈ આવ્યા.આમ તો વણોદમાં પણ મુસ્લિમ જાગીર જ હતી.પણ વણોદના વતની વીરચંદભાઈ શાહ કે જેઓ મુંબઈમાં પત્રકાર હતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા.ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી કે જેમણે જૂનાગઢ નવાબની સામે આરઝી હકૂમત સ્થાપી હતી.

તેમણે મુંબઈમાં જન્મભૂમિ અખબાર શરૂ કરેલું તેમાં વીરચંદભાઈ હતા.વીરચંદભાઈએ વણોદમાં આ પરિવારને સ્થાયી બનાવ્યો.એ પછી જમનાદાસ સૌરાષ્ટ્રના અનેક નેતાઓના પરિચયમાં આવ્યા.સૌરાષ્ટ્રના પ્રથમ પ્રમુખ ઉછંગરાય ઢેબર,રસિકલાલ પરીખ,રતુભાઈ અદાણી,ઘનશ્યામભાઈ ઓઝા વિગેરે.પાછળથી તેઓએ સંન્યાસ લીધો અને વર્ષો સુધી સમાજ સેવા કરી.ઉત્તરપ્રદેશ લોધીપુરમાં તેમનો આશ્રમ હતો.અમદાવાદમાં ભાગવત વિધાપીઠ સોલામાં પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીના તેઓ પરમ કૃપાપાત્ર હતા અને ત્યાં જ નિવાસ કરતા હતા.એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે પડકારજનક કામગીરી કરી સમગ્ર વઢિયાર પંથકમાં મીઠી કાર્ય સુવાસ ફેલાવી તેઓ જગતપિતા પરમકૃપાળુ પરમાત્માની ગોદમાં સદાયને માટે સમાઈ ગયા.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી. ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.