શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય અને સર્વોતમ સમાજ સેવાનું સુચારૂ સંકલન કરી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જિંદગી જીવતાં લાડુલા (ભાભર) નાં શિક્ષિકા શ્રીમતી રમીલાબેન મકવાણા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા આપણને જે જવાબદારી સોંપે તે સારામાં સારી રીતે નિભાવીને તેને રાજીપો પ્રાપ્ત કરવો એજ જીવનનું મહત્વનું કાર્ય છે.પિતા દાંનાભાઈ પથાભાઈ મકવાણા અને માતા શાંતાબેનના પરિવારમાં તારીખ ૧૫-૧-૧૯૭૮ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ નગવાડા ગામે જન્મેલાં રમીલાબેન મકવાણા કામ કરવા માગતા શિક્ષકો માટે ખૂબ જ પ્રેરણાદાયી તેમજ શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરી રહેલ છે.શિક્ષણ કાર્યની સાથે સર્વોતમ સમાજ સેવા કરીને તેઓ નિજાનંદી તેમજ પ્રેરણાસ્ત્રોત સમાન જીવન જીવી રહેલ છે.પ્રાથમિક શિક્ષણ નગવાડા ખાતે તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે મેળવી તેમણે પી.ટી.સી.નું એક વર્ષ રાજકોટ ખાતે તેમજ બીજું વર્ષ સુરેન્દ્રનગર ખાતે ૧૯૯૭ માં પૂર્ણ કર્યું.નવેમ્બર ૧૯૯૮ માં હર ગંગેશ્ર્‌વર મહાદેવજીના ગામ એવા ભાભર તાલુકાના ઉજનવાડા ખાતેથી પ્રાથમિક શિક્ષિકા તરીકે તેમની જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો.કુવાળા,રામનગર ખાતે ફરજ બજાવી ૨૦૦૫ થી તેઓ લાડુલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ખૂબ જ મહત્ત્વની સફળ જવાબદારી નિભાવી રહેલ છે.શાળામાં બાળકો લેખન,વાંચન અને ગણનમાં ખૂબ જ તેજસ્વી બને તે માટે તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરે છે.તેમની શાળા તેમજ બાળકો સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહે તે માટેનું તેમનું સૂક્ષ્મ આયોજન પણ સરાહનીય હોય છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૫૮૬૫ ૯૯૯૮૮ છે.

૨૦૦૮ માં વિજયકુમાર સાથે લગ્ન થયા બાદ પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી અવતરેલ દીકરી હીર હાલે ધોરણ-૮ માં અભ્યાસ કરે છે.તેમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં છે અને તેમાંયે એક જાપાનીઝ પુસ્તક તેમજ પન્નાલાલ પટેલની “માનવીની ભવાઈ” એ બેઉ ખૂબ જ ગમ્યાં છે.કવિ રાજેન્દ્ર શાહની કવિતાઓ તેમને ખૂબ જ ગમે છે.ગુજરાતમાં તેઓ ખૂબ જ ફર્યા છે તેમાં તેમને સાસણ ગીરનો પ્રદેશ ખૂબ જ ગમ્યો છે.ધાર્મિક રીતે તેમને પૂજ્ય જલારામ બાપાનું વીરપુર વધારે ગમે છે.વીરપુરમાં “અહીંયાં દાન સ્વિકારવામાં આવતું નથી” એવું વાક્ય કે વિનંતી વાંચી તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં છે.સમગ્ર વિશ્ર્‌વમાં એક જ વીરપુર એવી જગ્યા છે કે જ્યાં છેલ્લા ૨૨ વર્ષોથી કોઈ પણ પ્રકારનું દાન સ્વિકારવામાં આવતું નથી છતાં પૂજ્ય જલારામ બાપાની નિરંતર અસીમ કૃપાથી લાખો જલારામ ભકતોને નિયમિત ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.ભારતમાં તેમણે ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પ્રવાસ કર્યો છે તેમાંયે તેમને ઉજ્જૈન ખૂબ જ ગમ્યું છે.

નગવાડા પ્રાથમિક શાળાના તત્કાલિન શિક્ષક વીરાભાઈ રાઠોડ,ધોરણ ૮ થી ૧૦ નાં જે તે સમયનાં તેમનાં અંગ્રેજીનાં શિક્ષિકા અનુરાધાબેન પટેલ તેમજ તેમનાં માતાપિતા તેમના જીવનનાં મુખ્ય માર્ગદર્શક રહ્યાં છે.

અનુરાધાબેન પટેલ હાલ અમેરિકા છે અને રમીલાબેનની કામગીરીથી પ્રભાવિત થઈ ત્યાંથી તેમણે રૂપિયા ૭૨૦૦૦ નું દાન લાડુલા પ્રાથમિક શાળા માટે મોકલેલ છે.આ રકમમાંથી રમીલાબેને ૨૫૦ બાળકોને સ્વેટર આપેલ છે તેમજ શાળામાં પુસ્તકાલય અને ટી.વી.ની સગવડ કરેલ છે.શાળામાં પ્રાર્થના,સફાઈ,રાષ્ટ્રગીત,શિક્ષણ કાર્ય,રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો,પી.એમ.પોષણ યોજના,વાલી સંપર્ક,બાગ-બગીચા કામ,યોગ શિક્ષણ,ગણિત વિભાગ પ્રદર્શન,જરૂરિયાતમંદ બાળકોને આર્થિક સહાય,બેટી બચાવો-બેટી પઢાઓ કાર્યક્રમ,પશુ પક્ષી પ્રેમ સહિતની તમામ પ્રવૃતિઓ સર્વોતમ થાય તેવા તેમના નિષ્ઠાવાન પ્રયત્નો સરાહનીય છે.શાળામાં લોકફાળાથી પાણીની ટાંકી,બાયસેગ ડીશ,ટેલિવિઝન વિગેરેની તેમણે સુવિધા ઉભી કરી છે.૨૦૧૯ માં લાડુલા ગામની વાલ્મીકી સમાજની દીકરી આરતીને રમતાં રમતાં સાપ કરડેલ અને તેની હાલત ખૂબ જ ગંભીર હતી ત્યારે રમીલાબેને લોકફાળો કરી તાત્કાલિક રાધનપુર હોસ્પિટલમાં દાખલ કરી તેને બચાવી લીધી હતી.સામાજીક ક્ષેત્રે તેઓ ભારતીય દલિત સાહિત્ય-નવી દિલ્હી આયોજીત ગુજરાત પ્રદેશના માર્ગદર્શનથી બનાસકાંઠા જિલ્લાના મહિલા વિંગના પ્રમુખ તરીકે સેવા આપે છે.શિક્ષકોના શૈક્ષણિક મહાસંઘમાં ઉતર સંભાગમાં સંગઠન મંત્રી તરીકેની તેમની જવાબદારી છે.શિક્ષણ ઉપરાંત બાળકોને વોકેશનલ તાલીમ દ્રારા ભરત ગૂંથણ,બ્યૂટી પાર્લર,મહેંદી કામ જેવી તાલીમ તેઓ આપતાં રહે છે.
કોરોના દરમિયાન શાળાઓ બંધ હતી ત્યારે પણ તેમણે ભાભર આજુબાજુનાં ગામડાંઓમાં એક અઠવાડિયા માટે સતત પ્રવાસ કરી રસીકરણ માટે ઝૂંબેશ ચલાવી “મારૂ ગામ કોરોના મુકત ગામ ” ના સૂત્રને સફળ બનાવવા અથાક પ્રયત્નો કર્યા હતા.વિકલાંગોને ટ્રાયસિકલ મળે તે માટે તેમણે પૂરતા પ્રયાસો કરેલ છે.કોરોના સમયગાળાની તેમની કામગીરીથી પ્રભાવિત થઈ ગુજરાત સરકારના શિક્ષણ તેમજ સમાજ કલ્યાણ મંત્રાલયે તેમને અભિનંદન પત્ર આપેલ છે.આલોક ટ્રસ્ટ મહેસાણા દ્રારા તેમની શાળાને અનુપમ પ્રોજેક્ટમાં સામેલ કરેલ છે.
૨૦૧૭ માં તાલુકા કક્ષાએ,૨૦૨૧માં જિલ્લા કક્ષાએ તેમજ ૨૦૨૨ માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપી તેમને સન્માનિત કરાયેલ છે.ડો.અબ્દુલ કલામ એવોર્ડ,ગાંધી પીસ એવોર્ડ,નારાયણ સોશીયલ એવોર્ડ,ગોલ્ડન બુક ઓફ ધી અર્થ એવોર્ડ,પબ્લિક ફીગર એવોર્ડ,સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે રાષ્ટ્રીય એવોર્ડ,દિલ્હી દલિત સાહિત્ય અકાદમીનો વીર મેઘમાયા એવોર્ડ જેવા અનેક એવોર્ડથી તેમનું દબદબાભેર સન્માન થઈ ચૂક્યું છે.બી.આર.સી.,સી.આર.સી.તેમજ જિલ્લા કક્ષાની શિક્ષણ કચેરી સાથે સતત સંપર્કમાં રહી ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ સાથે બાળકોને ખૂબ જ સારૂ શિક્ષણ મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે.શિક્ષણના વ્યવસાયથી નિજાનંદ આવે છે અને માનવીય સંબંધોના ઉચ્ચ મૂલ્યોની નિભાવણી થાય છે તેવું તેઓ માને છે.૨૦૨૦ માં ગોલ્ડન બુક ઓફ ધી અર્થ માટે સમગ્ર દુનિયામાંથી ૧૦૧ વ્યકિતઓની કામગીરીની નોંધ લેવામાં આવેલ જેમાં ભારતમાંથી રમીલાબેનની શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃતિઓને પસંદ કરી તેમાં સમાવેશ કરાયો હતો.૪૪ વર્ષની તેમની જીવન સફરમાં અનેક પ્રકારના કડવા-મીઠા અનુભવો થયા છે છતાં પણ પોતાની શાળાનાં બાળકો શ્રેષ્ઠ બને તે માટેના તેમના પ્રયત્નો અભિનંદનીય,પ્રશંસનીય અને અનુમોદનીય રહ્યા છે.
શિક્ષણ સેવા અને સમાજ સેવાનો સુભગ સમન્વય કરી દીવાદાંડીરૂપ નિજાનંદી તેમજ પરોપકારી જીંદગી જીવતાં ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાનાં આચાર્ય રમીલાબેન મકવાણાને તેમની નિસ્વાર્થ પરમાર્થી જીંદગી માટે કોટિ કોટિ વંદન..અભિનંદન..અઢળક શુભેચ્છાઓ તેમજ તેમના નિરામય દીર્ઘાયુ માટે પરમપિતા પરમાત્માને દિવ્ય પ્રાર્થના..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.