સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવે તેવું માટીકામ સાધનોનું કામ કરતા જીવદયાપ્રેમી બનાસકાંઠા-ઝેરડાના શ્રી સલુભાઈ રહીમભાઈ સુમરા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જેના દિલમાં ભારોભર માનવતા ભરેલી હોય ત્યાં હિંદુ કે મુસ્લિમના ભેદ રહેતા નથી.નાના ગામડાંઓમાં આજે પણ હિંદુ-મુસ્લિમ એકતા અકબંધ છે.બનાસકાંઠામાં થરાદ,જૂના ડીસા,ચિત્રાસણી,કાણોદર જેવાં કેટલાંક ગામો હિંદુ-મુસ્લિમ એકતાની આગવી મિશાલ સમાન છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ ઝેરડા ગામ આમ તો ખૂબ જ પ્રગતિશીલ,ધાર્મિક,આર્થિક પગભર,જીવદયાપ્રેમી તેમજ વિકાસશીલ ગામ છે.આ ગામમાં રહેતો એક નાનો અને સામાન્ય માણસ પણ જેણે માટીકામનાં સાધનો બનાવી ખૂબ જ મોટી નામના મેળવી છે એવા સલુભાઈ સુમરા વિષે આજે થોડીક પણ મહત્વની વાતો કરવી છે.તેઓ એક મળવા જેવા,માણવા જેવા અને જાણવા જેવા માણસ છે.પિતા રહીમભાઈ ઉસ્માનભાઈ સુમરા અને માતા અમીનાબેનના પરિવારમાં તારીખ ૧-૬-૧૯૬૨ ના રોજ ઝેરડા ખાતે જન્મેલા સલુભાઈએ ધોરણ ૩ સુધીનો અભ્યાસ પોતાના ગામ ઝેરડામાં જ કર્યો હતો.જો કે પાછળથી મોટી ઉંમરે પરિક્ષાઓ આપીને તેમણે એસ.એસ.સી.પાસ કરેલ છે.ખૂબ જ મર્યાદિત ભણતર ધરાવતા સલુભાઈએ માટીકામનાં સાધનો બનાવવામાં જાણે કે પી.એચ.ડી. કર્યું હોય તેમ આ કામમાં તેમણે વિશિષ્ટ પ્રગતિ કરી છે.

પક્ષીઓ માટે પાણી પીવાનાં કુંડાં,ચકલીઓના માળા,પાણી પીવાનાં માટલાં,રોટલા-રોટલી બનાવવાની તાવડી,પક્ષીઓને દાણા ખાવાના કુંડ,પક્ષીઘર,માતાજીના અલગ અલગ અલગ ડીઝાઈનના દીવા,માટીનાં ઢાંકણ,માટીનાં રમકડાં એમ વિવિધ પ્રકારનાં માટીકામનાં સાધનો બનાવતા સલુભાઈની ઝેરડાની ફેકટરી જોવાલાયક છે.ઝેરડાના જાણીતા સેવાભાવી અગ્રણી કાર્યકર શ્રી સરદારભાઈ રાઠોડના નિમંત્રણથી નવીન સ્મશાન ભૂમિ નિર્માણ માટેની મીટિંગમાં તાજેતરમાં જ હું,જાણીતા કથાકાર પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ તેમજ અગ્રણી વડીલ/સારા ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય એમ ત્રણેય ઝેરડા ગયેલ ત્યારે સલુભાઈને રૂબરૂ મળી તેમની ફેકટરી જોતાં વિશેષ આનંદ થયો હતો.અમારા પરમ મિત્ર અને જાણીતા ચિત્રકાર ચંદુભાઈ એટીડી ઝેરડામાં શિક્ષક હતા ત્યારથી જ સલુભાઈની માટીકામની વિશિષ્ટ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત છે. જાણીતાં મહિલા લેખિકા, સાહિત્ય સર્જક અને કવિયત્રી વર્ષાબેન બારોટ પણ ઝેરડાનું આગવું ગૌરવ છે. ગુજરાત સરકારના માટી કલાકાર બોર્ડ દ્રારા ૧૯૮૯ માં સાબરકાંઠાના વાંકાનેર ખાતે માટીકામનાં રમકડાં માટેની એક મહિનાની સ્પેશિયલ તાલીમ રાખવામાં આવી હતી.આ તાલીમમાં માટીકામના ૧૭ કલાકારો હતા જેના મુખ્ય લીડર તરીકે સલુભાઈને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. વિષ્ણુભાઈ, જયભાઈ, મેમણભાઈ, પરમારભાઈ સહિત ચાર જેટલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમથી સલુભાઈના જીવનમાં પણ એક નવો જ ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો.માટીકામ માટે ન્યૂ ટેકનોલોજીના માધ્યમથી તાલીમ પ્રાપ્ત કરનાર સલુભાઈએ આગળ વધવા માટે ૨૦૦૩ માં રૂપિયા બે લાખની લોન લીધી અને આધુનિક પધ્ધતિથી મોટા પ્રમાણમાં માટીકામનાં સાધનો બનાવવાનું મશીન દ્રારા શરૂ કર્યું.હાલમાં ઝેરડા ખાતે અંદાજે એક વીઘા જમીનમાં તેઓ માટીકામનાં સાધનો બનાવી રહ્યા છે.ખરેખર તેમની ઉચ્ચ કક્ષાની કામગીરી,માલની ગુણવત્તા અને સાધનોની માંગ જોતાં જો તેમને સરકાર તરફથી રાહત દરે ત્રણ થી ચાર વીઘા જગ્યા ફાળવવામાં આવે તો ઘણું મોટું અને સારૂં કામ કરી શકે તેવી શકિત,બુધ્ધિ,કર્મઠતા અને ક્ષમતા સલુભાઈ ધરાવે છે.તેમનો આ લેખ વાંચી આપની અતિ કિંમતી તેમજ મહત્વની જીંદગીમાંથી બે મિનિટ ફાળવી સલુભાઈના મોબાઇલ નંબર ૯૯૨૪૩૦૩૯૩૫ અથવા ૭૨૦૩૯૬૭૧૨૩ ઉપર અચૂક અભિનંદન પાઠવી તેમને પ્રોત્સાહિત કરવા વિનંતી છે.

તેમનાં માટીકામનાં સાધનોની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ,મહારાષ્ટ્ર,દિલ્હી,તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ખૂબ જ મોટી માંગ છે.મહેસાણાના જીવદયાપ્રેમી વિજયભાઈ પટેલ તેમની પાસેથી ખૂબ જ મોટા જથ્થામાં દર ઉનાળામાં પક્ષીઓને પાણી માટે કુંડાં મંગાવતા, વિનામૂલ્યે મહેસાણા પંથકમાં વિતરણ કરતા અને પરદેશ પણ મોકલતા હતા.જોકે વિજયભાઈ પટેલ આજે આ દુનિયામાં નથી પણ તેમના મૃત્યુ વખતે સલુભાઈ ખૂબ જ રડયા હતા.સલુભાઈનું ગુજરાત સરકાર તેમજ અનેક સંસ્થાઓ દ્રારા દબદબાભેર વિશિષ્ટ સન્માન થયેલ છે.તેમના સર્વશ્રેષ્ઠ માટીકામ માટે અનેક સંસ્થાઓ તરફથી તેમને પ્રમાણપત્રો મળેલ છે.બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે શ્રી આર.જે.પટેલ તેમજ શ્રી જે.બી.વોરા હતા ત્યારે આ બેઉ અતિ દષ્ટિસંપન્ન અધિકારીઓએ સલુભાઈને પાલનપુર ખાતે તેમની ચેમ્બરમાં રૂબરૂ બોલાવી અભિનંદન આપી ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા.૨૦૧૨ માં સૂરત ખાતે પણ તેમનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન થયું હતું.બનાસકાંઠાના પૂર્વ જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.પટેલ તો નિવૃત થયા પછી હાલના સમયમાં પણ સલુભાઈ સાથે સતત ટેલિફોનિકલી સંપર્કમાં છે.આ પ્રકારનાં માટીકામનાં સાધનો ગુજરાતમાં માત્ર થાનગઢ ખાતે જ બને છે.વીસેક વર્ષ પહેલાં એક સંત ફરતા ફરતા સલુભાઈના નિવાસસ્થાને આવેલ તેમણે ભરપૂર આશીર્વાદ આપી ગૌમાતાઓને નિયમિત ઘાસ ખવડાવવાનો આદેશ કર્યો હતો.આ આદેશને શિરોમાન્ય રાખી સલુભાઈ અને તેમનું પરિવાર છેલ્લા ૨૦ વર્ષોથી રોજ સવારે નિયમિતપણે ગૌમાતાઓને ઘાસ ખવડાવે છે.સવારે વહેલા ચાર વાગે જાગી નિયમિત પ્રક્રિયાઓ પૂર્ણ કરી તેઓ તેમજ તેમનાં ધર્મપત્ની આશીબેન આઈશર ગાડી લઈ ઓર્ડર મુજબ માટીકામનાં સાધનો સપ્લાય કરવા નીકળી જાય છે.રસ્તામાં કોઈ અશકત,બિમાર,જરૂરિયાતમંદ,ગરીબ,લાચાર,લૂલાં-લંગડાં માણસો મળે તો તેમને રોકડ રકમ તેમજ નાસ્તાનાં પેકેટ પણ આપે છે.શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને સ્વખર્ચે ધાબળાઓનું તેઓ વિતરણ કરે છે.
ઝેરડા ગામની તમામ વિકાસશીલ પ્રવૃતિઓમાં તેમનો સંપૂર્ણ સહયોગ હોય છે.ઝેરડાની પાંજરાપોળ,નવરાત્રિ ગરબા મહોત્સવ,મંદિર નિર્માણ કામગીરી,સ્મશાન ભૂમિ,ગૌશાળા વિગેરેમાં તેઓ યથાશકિત આર્થિક સહયોગ આપતા જ રહે છે.ધોરણ ત્રણ સુધી તેમને ભણાવનાર,આશીર્વાદ આપનાર,માર્ગદર્શન આપનાર તેમજ પ્રોત્સાહિત કરનાર તેમના ગુરૂજનો આદરણીય મંગુલાલ મોદી તેમજ આદરણીય મોહનભાઈ પટેલનું આજે પણ તેઓ ગર્વ,ગૌરવ,ગરિમા તેમજ આદરપૂર્વક સ્મરણ કરી ભાવથી વંદન કરે છે.ઝેરડાના તમામ હિંદુ ભાઈઓ તરફથી તેમને સંપૂર્ણ સહકાર મળતો રહે છે.મૂળ નવસારીના પરંતુ થરાદ ખાતે આર.ટી.ઓ. તરીકે ફરજ બજાવી ચૂકેલા પટેલ નામના એક અધિકારી સલુભાઈની માટીકામની કામગીરીથી અતિ પ્રભાવિત હતા અને વારંવાર તેમની રૂબરૂ મુલાકાત લેતા હતા.જોકે હાલ આ અધિકારી કેનેડા ખાતે રહે છે.હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા,શ્રધ્ધા અને વિશ્ર્વાસ ધરાવતા સલુભાઈ સુમરા ઝેરડા ખાતે તમામ હિંદુ તહેવારોમાં સહયોગ આપી સામેલ થાય છે.તેમની કામગીરીમાં તેમના બેઉ દીકરાઓ આમીનભાઈ તેમજ મહમદભાઈ ખૂબ જ ઉપયોગી થાય છે.

સલુભાઈની માટીકામનાં સાધનોની ઉમદા કામગીરીને લીધે અંદાજે ૨૫ જેટલા લોકોને નિયમિત રોજગારી મળે છે.આપણા દેશના ખૂબ જ વિચક્ષણ,દષ્ટિસંપન્ન અને સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા માટીકામના કલાકારોને અતિ પ્રોત્સાહિત કરી રહેલ છે ત્યારે સલુભાઈ સુમરા જેવા વ્યકિતઓ આપણા દેશ તેમજ ગુજરાત રાજ્ય માટે આગવા ગૌરવ સમાન છે.માટીકામનાં સાધનો થકી પોતાની રોજગારી,અન્ય કામદારોને રોજગારી તેમજ લાખો પશુપક્ષીઓની ઉમદા સેવા કરતા સલુભાઈ સુમરાને આદર તેમજ અદબપૂર્વક આગવી સલામ.ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી વર્તમાનમાં પણ તેને જીવંત રાખવા બદલ સલુભાઈને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)-ડીસા.
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.