સંસ્કાર ઘડતર માટે બનાસકાંઠામાં અભૂતપૂર્વ કામગીરી કરતા જૈન મુનિરાજ પૂજ્ય શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર દરેક વ્યકિતને કોઈને કોઈ પ્રકારની સારી સેવા કે કામગીરી કરવા માટે જ કુદરતે મોકલેલ છે.જેને ખ્યાલ છે કે સારૂ કામ કરીને પરમાત્માનો રાજીપો મેળવવાનો છે એવા લોકો સતત સારાં કાર્યો કરે જ રાખે છે.કેટલાક માણસો દુષ્કર્મો થકી પાપનાં પોટલાં બાંધતા હોય છે.તરૂવર, સરોવર અને સંતજન પરહિત માટે જ કાર્યરત રહે છે. મૂળ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામનાં વતની એવાં માતા પ્રજ્ઞાબેન અને પિતા શૈલેષભાઈ શાહના ગર્ભશ્રીમંત પરિવારમાં વિક્રમ સંવત ૨૦૪૧ જેઠ વદ ૬ તારીખ ૮-૬-૧૯૮૫ ને શનિવારના રોજ એક દીકરાનો જન્મ થયો.આ દીકરાએ ધોરણ ૪ સુધી ગોવાલિયા ટેન્કની ફેલોશિપ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો.પૂર્વ જન્મનાં ખૂબ જ સારાં કર્મો તેમજ આ ભવમાં પણ પરમાત્મા વધારે સારાં કાર્યો કરાવવા ઈચ્છતા જ હશે એટલે ૧૩ વર્ષની નાની વયે વિક્રમ સંવત ૨૦૫૪ વૈશાખ સુદ ૬ તારીખ ૧-૭-૧૯૯૮ ના પવિત્ર દિવસે ગોપીપુરા સૂરત ખાતે આ બાળકે દિક્ષા લીધી.ખૂબ જ સંસ્કારી,જિજ્ઞાસુ,ભાગ્યશાળી,નસીબદાર, પૂન્યશાળી એવો આ કર્મઠ બાળક આજે આપણી વચ્ચે પૂજ્ય જૈન મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તરીકે આપણને સૌને સંસ્કારી બનાવી સત્માર્ગે વાળવા કઠોર પરિશ્રમ કરી રહેલ છે.
તેમના ગુરૂ મહારાજનું નામ આગમ વિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય
તપોરત્ન સૂરિશ્ર્‌વરજી મહારાજા સાહેબ છે.તેમના વડીલ ભાઈ ભાઈ પણ જૈન મુનિરાજ છે અને તેમનું નામ પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ છે.પૂજ્ય જૈન મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબનો જન્મ અને ઉછેર મુંબઈ ઓપેરા હાઉસ એસ.વી.પી.રોડ ખાતે જ થયો હતો.તેમનાં માતા-પિતા,કાકા-કાકી,તેમનાં પુત્ર-પુત્રી વિગેરે સંપૂર્ણ કુટુંબે દીક્ષા લીધેલ છે.સમગ્ર પરિવારના કુલ ૧૦ જણની દિક્ષા ત્રણ તબક્કામાં થઈ છે.પૂજ્યશ્રીનું વિચરણ ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં રાજ્યો રહેલ છે.તેમાંયે સૌથી વધારે વિચરણ ગુજરાતમાં થયું છે.પૂજ્યશ્રીનો ચાતુર્માસ અમદાવાદ, પૂના,
પાટણ, ભાભર,ડીસા,
રાધનપુર, પાલી(રાજસ્થાન),પાલીતાણા,સૂરત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં થયો છે.છેલ્લા છ વર્ષ સતત સૂરત ખાતે જ તેમનો ચાતુર્માસ થયેલ છે.આમાંથી ત્રણ ચાતુર્માસ સૂરતના ઉગતા સૂરજ સમાન વેસુ વિસ્તારમાં થયેલ છે.પૂજ્યશ્રીનું શાસ્ત્રીય વાંચન ઘણું વધારે છે.દીક્ષાજીવનનાં શરૂઆતનાં પંદર વર્ષ સુધી અંતર્મુખ બની, લોકસંપર્કથી દૂર રહી,મહિનાઓ સુધી મૌન પાળી, ગુરૂભગવંતોની નિશ્રામાં રહી વિપુલ સાહિત્યનું તેમણે વાંચન કરેલ છે.
સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં વ્યાકરણ,૪૨ આગમ ગ્રંથો,૧૦૦થી વધુ જૈનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ, સાહિત્ય તેમજ કાવ્યના ગ્રંથો,વેદ,ઉપનિષદ,પુરાણોનો અભ્યાસ, વિષય વાસ્તુનો સામાન્ય બોધ,ભગવતગીતા,હિતોપદેશ,પંચતંત્ર,આર્યુર્વેદ શાસ્ત્ર એમ અનેક ગ્રંથોનુ અધ્યયન કરીને તેમણે જીવનને પૂર્ણ અભ્યાસુ બનાવ્યું છે.વિક્રમ સંવત ૨૦૭૦ દિયોદર તાલુકાના મીઠી પાલડી ખાતેથી પૂજ્ય ગુરૂ ભગવંતની છત્રછાયામાં ચાતુર્માસ દરમિયાન તેમણે તેમના પ્રથમ પ્રવચનનો પ્રારંભ કર્યો હતો.જેમને સાંભળવા,જાણવા,માણવા અને અનુભવવા એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે એવા પૂજ્ય મુનિરાજ હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ કાંકરેજ તાલુકાના ગામોમાં વિચરણ કરી રહેલ છે.
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના સંકલ્પ સાથે જેમણે શ્રધ્ધા અને વિશ્ર્‌વાસપૂર્વક મહેનત હાથ ધરી છે એવા પૂજ્ય મુનિરાજે તાજેતરમાં તારીખ ૭-૫-૨૦૨૨ શનિવારે જૂના ડીસા હાઈસ્કૂલ ખાતે ડીસા અને કાંકરેજ તાલુકાની ૧૫ શાળાઓના ૫૧૧ બાળક-બાલિકાઓની ૪૪ જેટલા ચિત્રો આધારિત નિબંધ સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યું હતું.આ બધામાંથી પ્રથમ પાંચ આવેલ વિધાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.પ્રત્યેક ગામના સરપંચ તેમજ સ્પર્ધા માટે જહેમત ઉઠાવનાર શાળાના શિક્ષકનું પણ સન્માન કરાયું હતું.નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓ, સંકલન કરનાર શિક્ષકશ્રી સહિત સૌને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.કેટલાક તેજસ્વી વિધાર્થીઓએ તો તેમનાં વકતવ્યો થકી અનેકજનોને અતિ પ્રભાવિત કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારે કોઈ જૈન મુનિરાજે સંસ્કાર ઘડતરનું કાર્ય કર્યું હોય તેવું સૌને લાગતું હતું.દેરાસર કે
ઉપાશ્રયથી બહાર નીકળીને જૈન મુનિરાજ વ્યસનમુકિત કે સંસ્કાર ઘડતરનું કામ કરે તે જાણીને સૌને અહોભાવ થતો હતો.
સમગ્ર માનવજાતના હિતમાં વિચારીને ભારતની આ આર્યભૂમિની સંસ્કૃતિને બચાવવા માટે પૂજ્ય જૈન મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ જ્યારે સંપૂર્ણ પ્રયત્નશીલ છે ત્યારે બનાસકાંઠાની તમામે તમામ શાળાઓ તેમને ખાસ નિમંત્રિત કરીને તેમની અદભૂત શકિતનો લાભ લે તે વિશેષ જરૂરી છે.ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજાે કુરિવાજાે, વ્યસનો,ખોટા ખર્ચાઓમાંથી મુકત થઈને પરિવાર, સમાજ, ગામ કે રાષ્ટ્રની રક્ષા માટે જાગૃત બને અને કામ કરે તે પ્રકારનું વિશિષ્ટ માર્ગદર્શન તેઓ આપી રહેલ છે.સફળતા અચૂક મળશે જ તેવી અડગ શ્રધ્ધા સાથે કાર્ય કરતા પૂજ્ય જૈન મુનિરાજને સારી એવી સફળતા પણ મળી રહી છે.અનેક જૈન-અજૈન ભાઈઓ તેમજ
બહેનો તેમને સાંભળવા માટે આતુર હોય છે.
આર્ય સંસ્કૃતિ,ગ્રામ્ય સંસ્કૃતિ,ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે કોઈ નિસ્વાર્થ સાધુ-સંત-મુનિના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક કામગીરી થાય તો ભારતમાં સંસ્કૃતિ રક્ષા અર્થે અદભૂત ક્રાંતિ આવી શકે તેમ છે તેવું પૂજ્ય જૈન મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની દિવ્ય અને પવિત્ર કામગીરીથી લાગી રહેલ છે.ભારતીય આર્ય સંસ્કૃતિની રક્ષા માટે ચિંતા અને ચિંતન કરીને
નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરતા પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટિ કોટિ વંદન અને તેમની સંસ્કારમય સદપ્રવૃતિને અભિનંદન સહ શુભેચ્છાઓ. પરમકૃપાળુ પરમાત્મા તેમને નિરામય દીર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના સાથે બનાસકાંઠાની ધર્મપ્રેમી પ્રજાને તેમના દર્શનનો તેમજ દિવ્ય વાણીનો સત્વરે લાભ લેવા માટે આગ્રહપૂર્વક નમ્ર વિનંતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.