સાહિત્ય,સંગીત,કલાની દિવ્ય ઉપાસના થકી નિજાનંદી જીંદગી જીવતા ડીસાના નિવૃત શિક્ષક ગોરધનભાઈ દવે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ દરેક વ્યકિતને આ પૃથ્વી ઉપર એક ચોક્કસ પ્રકારના શુભ આશય સાથે મોકલેલ છે.કેટલાક આવા હેતુ માટે જીવીને નિજાનંદમાં રહેતા હોય છે.પતિ ધનારામ પદમારામ દવે અને માતા મણીબેનના પરિવારમાં તારીખ ૨૦-૬-૧૯૫૬ ના રોજ ડીસા તાલુકાના યાવરપુરા ઢાણી ખાતે જન્મેલા ઝેરડાના વતની અને હાલે ડીસા ખાતે રહેતા નિવૃત શિક્ષક ગોરધનભાઈ દવે સાહિત્ય, સંગીત, કલા તેમજ સેવાના ઉપાસક છે અને નિજાનંદી જીંદગી જીવે છે.પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ બ્રાહ્મણવાડા ખાતે પૂર્ણ કરી તેમણે સંતરામપુર ખાતેથી પી.ટી.સી. કર્યું.૨૩-૩-૧૯૭૮ ના રોજ ધાનેરા તાલુકાના એંડાલ ખાતેથી પ્રાથમિક શિક્ષક તરીકે તેમની સફર શરૂ થઈ. ચાલુ સર્વિસે જ તેમણે એમ.એન. કોલેજ વિસનગર ખાતેથી બી.એ.કર્યું.અમદાવાદ ખાતેથી એમ.એ.કર્યા બાદ ડીસા ખાતેથી બી.એડ. કર્યું.પાટણ ખાતેથી એમ.એડ.કર્યા બાદ તેમણે ઉંઝા ખાતેથી એલ.એલ.બી.કર્યું. ધાનેરા તાલુકાનાં આશીયા, થાવર, જોરાપુરા(લોડપા) બાદ વાઘરોલ(રૂપપુરા),ચંડીસર એમ વિવિધ સ્થળોએ સફળ શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ તેમણે ચંડીસર, માલગઢ, ચિ.હં. દોશી ડીસા સહિતની શાળાઓ ખાતે સી.આર.સી.તરીકે ફરજ બજાવી.તારીખ ૩૧-૧૦-૨૦૧૪ ના રોજ પે કેન્દ્ર શાળા ઝેરડા ખાતેથી આચાર્ય/હેડ માસ્ટર તરીકે સુખરૂપ નિવૃત થયા.નિવૃતિ બાદ ભજન સત્સંગ,લોકડાયરા,સંતવાણી,નવરાત્રિ ગરબા મહોત્સવ જેવા કાર્યક્રમો થકી અતિ નિજાનંદી જીંદગી જીવતા ગોરધનભાઈ દવે ખૂબ જ હસમુખા, નસીબદાર, નિયમિત, નિષ્ઠાવાન, નિખાલસ,મળતાવડા, ધર્મપ્રેમી,સેવાપ્રેમી,મિલનસાર,નિસ્વાર્થ તેમજ ગૌપ્રેમી છે.પી.ટી.સી.ના અભ્યાસ દરમિયાન સંતરામપુર ખાતેથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું.એ સમયે કોલેજના પ્રિન્સિપાલ તરફથી તેમને પ્રમાણપત્ર આપવામાં આવેલ.સરસ લોકગીતો ગાવા બદલ તેમનું સન્માન થયું હતું.૧૯૯૩ માં વાઘરોલ મુકામે પ્રાતઃસ્મરણીય,પરમ વંદનીય,પૂજનીય સદગુરૂદેવ શીવગીરી બાપુનો તેમને ભેટો થયો હતો. પૂજ્ય સદગુરૂદેવે તેમને ભજન ગાવા માટે આદેશ કરેલ.એ વખતે તેમણે “પ્રેમ જોગીડા ઝોળી લઈને જોગન મૈં બન જાઉં” ભજન ગાઈને પૂજ્ય શીવગીરી બાપુનો રાજીપો અને આશીર્વાદ પ્રાપ્ત કરેલ. ડીસાના સદગત અણદાભાઈ બારોટની સાથે મારે પણ અવારનવાર પૂજ્ય શીવગીરી બાપુને મળવાનું બનાલ.ગોરધનભાઈએ શીવગીરી બાપુનાં સ્વરચિત ૨૦૦ જેટલાં ભજનો ગાયાં છે.પૂજ્ય શીવગીરી બાપુ જોધપુર જિલ્લાના લુણાવાસ ગામના દેવાસી-રબારી હતા.બનાસકાંઠામાં તેમના અસંખ્ય ભકતો હતા અને આજે પણ છે. અનેક લોકોએ તેમનો રાજીપો તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે.પૂજ્ય શીવગીરી બાપુની દિવ્ય સ્મૃતિમાં દર આસો વદ અગિયારસે તેમના સમાધિ સ્થાન કપાસીયા ખાતે લોક મેળો-ભકિત મેળો ભરાય છે જેમાં ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત હોય છે.આ મેળામાં ગોરધનભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય શીવગીરી બાપુના ૫૦૦ જેટલા ફોટાઓનું વિનામૂલ્યે વિતરણ કરે છે.પૂજ્ય શીવગીરી બાપુ નસકોરાથી વાંસળી વગાડતા હતા.ગોરધનભાઈ દવે સતત એમના સંપર્કમાં રહેતા હતા.ગોરધનભાઈને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૯૮૭૩૬૨૭૦ છે.
વિવિધ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ ઘરાવતા ગોરધનભાઈને ભગવત ગીતા વધારે ગમે છે.સમગ્ર ગુજરાતનો તેમણે પ્રવાસ/યાત્રા કરેલ છે આ બધામાં તેમને દ્રારિકા,સોમનાથ,વીરપુર તેમજ અંબાજી વધારે ગમે છે.ઉતર ભારતનાં અનેક સ્થળોએ તેઓ ફર્યા છે અને એ બધામાં તેમને હરિદ્વાર વધારે ગમ્યું છે.
ગોરધનભાઈનાં ધર્મપત્ની કંકુબેન, મોટો દીકરો અમિત (બી.કોમ.), દીકરી શિલ્પાબેન ( બી.એ.), નાનો દીકરો શુભમ (સોલાર એન્જિનિયર), પુત્રવધુઓ ડોલીબેન (બી.એ.), કોમલબેન (એમ.કોમ.), જમાઈરાજ વિનોદકુમાર ત્રિવેદી(સૂરત), પરિવારનાં બાળકો અનોખી, ધાર્મિક, પ્રાંશુ, પ્રેશા સહિતનો સમગ્ર પરિવાર પ્રેમાળ,ધાર્મિક, લાગણીશીલ છે.સમગ્ર પરિવાર ગોરધનભાઈનાં સત્કાર્યોથી રાજીપો અનુભવી નિરંતર સહયોગી બને છે.વર્ષ ૨૦૦૦ માં રાજસ્થાનના શિરોહી ખાતે તેમણે ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરેલ.૨૦૦૧ માં થરાદ ખાતે તેમજ ૨૦૦૨ માં ડીસા ડાયમંડ સોસાયટીમાં તેમણે ગરબા મહોત્સવનું સરસ આયોજન કરેલ.એ પછી તો તેમણે અનેક સ્થળોએ આવાં સરસ આયોજન કર્યાં હતાં. તેમણે પૂજ્ય શીવગીરી બાપુનાં સ્વરચિત ભજનો લખ્યાં, ગાયાં અને રેકોર્ડિંગ કરી પ્રસારિત કર્યાં.સિદ્ધાર્થ સ્ટુડિયો રાજકોટ ખાતે ડાયરેકટર રણજીત હેરમાના માર્ગદર્શન હેઠળ તેમણે તેમજ વાવના મહેશ ભગતે પૂજ્ય શીવગીરી બાપુનાં ભજનો ગાઈ સરસ કેસેટો બનાવેલ જેનું લોકાર્પણ તેમણે કપાસીયા ખાતે એક ફંકશન દ્રારા કરેલ.તેમણે પોતે ૨૦૦ જેટલાં ભજનો,૨૦૦ જેટલા ગરબા તેમજ ૫૦ જેટલાં લોકગીતો લખ્યાં છે.કવિ ઉમાશંકર જોષી,કવિ દલપતરામ તેમના મનગમતા કવિઓ છે.ચંબલની ખીણ વિષેનાં લેખક મોહરસિંહ તેમજ માઘવસિંહનાં પુસ્તકો તેમણે વાંચ્યાં છે.બહેરાં, મૂંગાં,લૂલાં,લંગડાં,નિસહાય,નિરાધાર માણસો,પશુ-પક્ષીઓ,ગૌમાતાઓની સેવા કરવાનું તેમને ખૂબ જ ગમે છે.તેમના કાર્યક્રમોમાં થતી મોટાભાગની આવક તેઓ સેવા તેમજ જીવદયા કાજે વાપરી નાખે છે.ભવિષ્યમાં પણ નિઃસહાય લોકોને મદદ કરવાનો જ તેમનો મુખ્ય આશય છે.
તેઓ એક સારા ગીતકાર- સંગીતકારની સાથે સાથે એક સારા જ્યોતિષકાર પણ છે.અનેકજનોની જન્મકુંડળીઓ તેમણે બનાવી છે.અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતેથી તેમણે જરૂરી તાલીમ લીધેલ છે.દર પૂનમે તેઓ મા જગદંબાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી મુકામે દર્શનાર્થે જાય છે.વર્ષમાં બે વાર તેઓ પૂજ્ય જલારામ બાપાના દરબારમાં વીરપુર દર્શનાર્થે જાય છે.ડીસા નગરનાં અનેક સેવાકીય સત્કાર્યોમાં તેઓ સહયોગી બને છે.
પૂજ્ય શીવગીરી બાપુનું નિરંતર દિવ્ય સ્મરણ કરતા ગોરધનભાઈ દવે એક મળવા જેવા,જાણવા જેવા અને માણવા જેવા માણસ છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે થતાં ભજનો અને તેમાંથી થતી આવકમાંથી જે ગૌસેવા થાય છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત છે.વિવિધ સેવાકાર્યો,સત્કાર્યો,ધર્મકાર્યો, પૂન્યકાર્યોના ચાહક,કર્તા,સમર્થક,સહયોગી એવા સમર્પિત સેવક ગોરધનભાઈના જીવનકાર્યને કોટિ કોટિ વંદન..અભિનંદન..અઢળક શુભેચ્છાઓ તેમજ તેમના નિરામય શેષ જીવન માટે પણ પરમપિતા પરમાત્માને દિવ્ય પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.