પાલનપુર નગરપાલિકાના રાજમાં:ગણેશપુરામાં મુખ્ય પાઈપ લાઈનમાંથી સોસાયટીમાં ગેરકાયદે જોડાણ કરાયું હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રેકર્ડ પર ન હોવા છતાં જોડાણ કરનાર ઇજારદાર સામે કાર્યવાહીની માંગ

એકબાજુ ગેરકાયદે જોડાણ બીજીબાજુ વૃંદાવન નગરમાં પાણી માટે વલખાં: ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ધણી ધોરી વગરના રાજની પ્રતીતિ કરાવતા બનાવમાં શહેરના વોર્ડ નં.11ના ગણેશપુરા વિસ્તારમાં પાલિકાની મુખ્ય પાઇપ લાઈનમાંથી નવ નિર્માણ પામી રહેલી સોસાયટીના ઇજારદાર દ્વારા ગેરકાયદેસર જોડાણ કરાયું હોવાની લેખિત ફરિયાદ સ્થાનિક નગરસેવીકાએ કરી છે. જેમાં પાલિકાની મિભગતથી થયેલા ગેર કાયદે પાણી કનેક્શન મેળવનાર ઇજારદાર સહિત પાલિકાના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં અંધરી નગરીને ગંડુ રાજા જેવા વહીવટની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી છે. પાલિકાના વોર્ડ નં.11 ના સ્થાનિક નગરસેવીકા જાગૃતિબેન રમેશ ભાઇ સોલંકીએ ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત મુજબ, મીરાં દરવાજાથી ગણેશપુરા જતા જાહેર રોડ પર પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઈન આવેલી છે. ત્યારે આ મુખ્ય પાઇપ લાઈનમાંથી ગણેશપુરા,બહુચર માતાના મંદિર સામે નિર્માણ થતી મંગલમ નગર સોસાયટીમાં 3 ઇંચનું પાણીનું કનેક્શનનું ગેરકાયદેસર જોડાણ કરાયું છે.

આ અંગે તેઓએ પાલિકાના પાણી પુરવઠા વિભાગ માં તપાસ કરતા આ કામગીરી પાલિકાના રેકર્ડ પર ન હોઈ તેઓએ પાલિકા ની મિલીભગતથી સોસાયટીના ઇજારદાર દ્વારા લીધેલા ગેરકાયદે જોડાણથી ગણેશપુરામાં પીવાના પાણીની અછત ઉભી થઇ હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ મામલે સોસાયટીના ઇજારદાર અને પાલિકાના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિક નગરસેવીકાએ માંગ કરી છે.

વૃંદાવન સોસાયટીમાં પાણી માટે વલખાં : પાલનપુરના ગણેશપુરામાં એક બાજુ નવનિર્મિત સોસાયટીએ ગેરકાયદે પાણીનું કનેક્શન મેળવ્યુ હોવાની રાવ ઉઠી છે. તો બીજી બાજુ ગણેશપુરામાં વૃંદાવન સોસાયટીમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણી માટે રહેતા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોવાની રાવ ઉઠી છે. અમુક લોકો ટેન્કર દ્રારા પાણી લાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેટલાક સમયથી તૂટી પડેલ પીવાનાં પાણી ની પાઇપ લાઇનનું રીપેર કરવાની તસ્દી પણ પાલનપુર નગરપાલિકા ના રેઢિયાળ તંત્રએ લીધી નથી.

અવાર નવાર રજુઆત કરવા છતાં સમારકામ ન થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાઇપ લાઈનનુ સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.