દાંતીવાડા તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષો કપાઈ રહ્યા છે, સ્થાનિક તંત્ર બેજવાબદાર

બનાસકાંઠા
બનાસકાંઠા

એકબાજુ સરકાર દ્વારા વૃક્ષો વાવવામાં મોટા મોટા કાર્યક્રમ પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરે છે.  પરંતુ દાંતીવાડા પંથકમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા સહિત દાંતીવાડાની શો-મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને રાત દિવસ વાહનો ઠલવાઈ રહ્યા છે અને તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાવ ઉઠી છે. ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરીને રાત દિવસ બિન્દાસપણે લીલા લાકડીઓનો વેપલો થઈ રહ્યો છે. જવાબદાર તંત્ર જાણે આંધળુ બની ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતી હોવાથી સ્થાનિક લોકોમાં જવાબદાર તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

લોકો જણાવી રહ્યા છે કે સ્થાનિક જવાબદાર તંત્રની મિલીભગતથી રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે લીલું લાકડુ વહન કરવામાં આવી રહ્યું છે. જેથી દાંતીવાડા તાલુકામાં વૃક્ષો નામશેષ થઈ જાય તો નવાઈ નહી. હાઈવે તેમજ જાહેર રસ્તાઓ પર રાત્રીના અંધારામાં લાકડાઓની મોટાપાયે દિવસ રાત ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઈ રહી છે. તે બાબત સ્થાનિક વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ અસરકારક પગલાં નહી ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.દાંતીવાડા તાલુકામાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરે છે પરંતુ જે વર્ષો જુના વૃક્ષો છે તે આડેધડ કપાઈ રહ્યા છે. પંથકના પાંથાવાડા, દાંતીવાડા સહિત મા જંગલ અડીને આવેલા વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે. વૃક્ષોનું લાકડુ વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવી રહ્યું હોવાથી રાત્રીના સમયમાં અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

દાંતીવાડા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નિયમોને બાજુમાં મુકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે. ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિન્દાસથી દિવર-રાત જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ના આવતાં લાકડાનો ધંધો કરનારાઓને હાલના સમયે ઘી-કેળા થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાત કરે છે તો બીજી બાજુ સ્થાનિક જવાબદાર તંત્ર જાણતું હોવાછતાં પણ લોકો ગેરકાયદે વૃક્ષો કાપી રહ્યા છે છતાં તેમની વિરુદ્ધ કડક પગલાં ના ભરાતા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે.દાંતીવાડા તાલુકામાં ગેરકાયદેસર લીલા વૃક્ષછેદન તેમજ લીલા લાકડા ચોરોની હેરાફેરી સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં ન આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ છવાયો છે. ફોરેસ્ટ વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને ગેરકાયદે લીલા વૃક્ષોનું છેદન થતું અટકાવે અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.