માનવ સેવા સંગઠન અને ક્લોઝ યુવા સંગઠન દ્વારા 15 હજાર પક્ષીઘર, મીની ચબૂતરા અને પાણીના કુંડાઓનું વિતરણ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધોમધખતા ઉનાળાના તાપ અને કાળઝાળ ગરમીમાં પાણી વિના માણસ જેવા માણસ પણ ફાફે ચઢે છે ત્યારે અબોલ પક્ષીઓની શી વિસાત? ઉનાળાની ગરમીમાં પાણીના માત્ર બે-ચાર ટીપા માટે વલખા મારતા અનેક નિર્દોષ પક્ષીઓ ટળવળીને મોતને ભેટે છે ત્યારે, નિર્દોષ અબોલ જીવની તરસ છીપાવવા અને પક્ષીઓનું અસ્તિત્વ જળવાઇ રહે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ ડીસાની જીવદયાપ્રેમીઓ દ્વારા પાણી પીવાના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા વર્ષથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેક સામાજિક સંસ્થાઓ અવિરતપણે કાર્યરત છે. ત્યારે આજે જલારામ મંદિર આગળ માનવ સેવા સંગઠન તેમજ સાંઈબાબા મંદિર આગળ ક્લોઝ યુવા સંગઠન દ્વારા પાણીના કુંડા, ચકલી ઘર અને મીની ચબૂતરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં ડીસા અને તેની આસપાસના વિસ્તારના નગરજનો પણ સહયોગ આપી રહ્યાં છે અને દર વર્ષ પોતાના ઘર આંગણે અબોલ પક્ષીઓ અને અન્ય જીવો માટે પાણી અને ચણનું કુંડુ મૂકીને જીવદયાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

આ વખતે પણ જલારામ મંદિર આગળ માનવ સેવા સંગઠન દ્વારા 3000 જેટલા પાણીના કુંડા, 3000 ચકલી ઘર અને 1200 જેટલા મીની ચબુતરાનું વિતરણ કરાયુ હતું. જ્યારે પાટણ હાઈવે પર પણ હજારો ચકલી ઘર અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સાંઈબાબા મંદિર આગળ પણ અનેક પક્ષીઘર અને કૂંડાઓનું વિતરણ થતાં આજે એક જ દિવસમાં 15 હજારથી વધુ પક્ષીઘર અને કુંડાઓનુ વિતરણ કર્યું હતું. સામાજિક સંસ્થાના આગેવાનો અને જીવદયા પ્રેમીઓએ લોકોને પાણીના કુંડા અને પક્ષીઘર આપવાની સાથે સાથે એક એક બુંદ પાણીની બચત કરવા માટે પણ લોકોને અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.