બોલ માડી અંબે- ડ્રોન દ્વારા માઇભક્તો પર પુષ્પવૃષ્ટિ- ૯ લાખથી વધુ માઇભક્તો મહોત્સવમાં ઉમટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી ૫૧ શક્તિ પીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના ૩૦૦ કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો હતો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ૫૧ શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભતિનો અહેસાસ માઈ- ભક્તોને કરાવ્યો હતો. આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતાં સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની ‘જય અંબે’ના જય નાદથી ગુંજી ઉઠ્‌યું હતું. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસ પરિવહન, ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ૯ લાખથી વધુ ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

મંત્રાક્ષરી સ્પર્ધાએ આકર્ષણ જમાવ્યું: જૂનાગઢનાં ગિરનારની લીલી પરિક્રમાની જેમ અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને સફળ બનાવવા વહીવટીતંત્રે અથાગ પ્રયાસો કર્યા હતા. જેમાં ચારેય દિવસ અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાવિકોએ ભરપૂર લાભ લીધો હતો. પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનનાર પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્પર્ધકને સન્માનિત કરવામાં આવશે. આ અનોખી સ્પર્ધાએ પણ ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો મહાઆરતીમાં જોડાયા: પરિક્રમા મહોત્સવમાં ચોથા દિવસે મોડી સાંજે મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો પણ જોડાયા હતા અને ઇતિહાસમાં પ્રથમવાર ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં ૫૧ શક્તિપીઠોમાં પૂજા-અર્ચના અને લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી માતાજીના દર્શન પણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.