
જસરા અશ્વ મેળાનું પ૧ હજાર દિવડાની આરતી સાથે સમાપન
રખેવાળ ન્યુઝ લાખણી, ગેળા : બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે ચાર દિવસીય અશ્વમેળાનું આયોજન કરાયું હતું. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાતભરમાંથી ૫૦૦ થી પણ વધુ અશ્વસવારોએ ભાગ લીધો હતો. જેમના કરતબો જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલના જાતવાન અશ્વો ભાગ લે છે ચાર દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો આ સ્પર્ધામાં પોતાના અશ્વની કરતબ બતાવવા આવી પહોંચે છે જસરા સ્થિત બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી આયોજક મહેશભાઈ દવેએ ચાર દિવસીયનો પ્રારંભ કરાવ્યો હતો ગઈકાલે મેળાના છેલ્લા દિવસે ૮૦ હજારથી વધારે લોક મહેરામણ ઉમટયો હતો.
૫૧ હજાર દીપ પ્રગટાવી મેળાની રંગે ચંગે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જસરા જેવા નાનકડા ગામમાં ર૦૧રમાં શરૂ કરવામાં આવેલ અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લાના જસરા ખાતેના અશ્વમેળાની હણહણાંટીનો જિલ્લાવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. અશ્વમેળામાં યુવા અશ્વ સવારોનો જલવો પણ જોવા મળ્યો હતો.
અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી અશ્વ-શો ની સાથે આનંદમેળો જોઈ લોકહૈયું હિલ્લોળે ચડ્યું ભારતની સાચી સંસ્કૃતિ ગામડાઓમાં જન્મી અને વિકસી છે અને આવી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ગામડાઓના લોક મેળાઓએ પ્રયાસ કર્યો છે. આવુજ આપણી ગામડાની સંસ્કૃતિ ટકી રહે તેમજ અશ્વ પાલકો પોતાના અશ્વોને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના ૫૦ થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા.અશ્વ સાથે લોક સંસ્કૃતિ જાળવવાનો સંનિષ્ઠ પ્રયાસ સાચા અર્થમાં સફળ રહ્યો હતો. અશ્વ મેળાના છેલ્લા દિવસે સાંસદ પરબતભાઇ પટેલ, બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય ગેનીબેન, ગુલાબસિંહ રાજપૂત અને શશીકાંત પડ્યા હજાર રહ્યા હતા.