
ભિલોડાના ચોરીમાલામાં મેરેથોનમાં વિજયનગરના વણધોલ ગામનો ગોવિંદ અને ખુશ્બુ બોદર વિજેતા
ભિલોડાના ચોરીમાલામાં રવિવારે યોજાયેલી સિઝન-ટુ મેરેથોન દોડમાં વિજયનગરના વણધોલનો ગોવિંદ અને ખુશ્બુ બોદર વિજેતા બન્યા હતા. ચોરીમાલામાં સિઝન ટુ મેરેથોન દોડના આયોજક હિમાંશુ ગામેતી,પૃથ્વીરાજ ગામેતીના જણાવ્યા અનુસાર રવિવારે યોજાયેલી મેરેથોન દોડ માં ભાઈઓની 5કિમી દોડમાં 100 થી વધુ યુવકોએ જ્યારે બહેનોની 1600મીટર દોડમાં 35 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.કલ્યાણપુરથી ભાઈઓની જ્યારે ઝીંઝૂડીથી બહેનોની દોડને ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભાઈઓની દોડમાં વણધોલના ગોવિંદ લક્ષ્મણભાઇ ખરાડીએ 17.50 મિનિટમાં દોડ પૂરી કરી પ્રથમ,રામચંદ્ર અસારીએ 17.58 મિનિટમાં દોડ પૂરી કરી દ્વિતીય, રાહુલ ખરાડીએ 18.04 મિનિટમાં દોડ પૂરી કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જ્યારે બહેનોની મેરેથોનમાં ખુશ્બુ બોદરે 6.30 મિનિટમાં દોડ પૂરી કરી પ્રથમ, અંજના બુબડીયાએ 6.45 મિનિટમાં દોડ પૂરી કરી દ્વિતીય, હસીના ખરાડીએ 7.03 મિનિટમાં દોડ પૂરી કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા.
વિજેતા દોડવીરોને ધારાસભ્ય પી.સી. બરંડા,નિવૃત્ત અધિક કલેકટર હિંમતસિંહ કટારા, શશીકાંત ખરાડી,રસિકભાઈ કટારા, કેવલ જોશિયારા, સુરપાલભાઈ ખરાડી દ્વારા રોકડ,મેડલ આપ્યા હતા. જ્યારે સ્વ.તુષાર અસારીની સ્મૃતિમાં નવજીભાઈ અસારી પરિવાર સહિત તેમની પુત્રી કશીશ દ્વારા ટ્રોફી એનાયત કરાઇ હતી.