સાહિત્યનો દર્પણધર્મ અને દીપકધર્મ

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
 
                                    હવાડાને કૂવાનો સંદર્ભ હોય એ અર્થમાં સાહિત્યનો સંદર્ભ સામાજિક પર્યાવરણમાં ખોળવાનો પ્રયત્ન કરવા જેવો નથી. કૂવો ગમે તેટલો સમૃદ્ધ હોય તોય ગન્તવ્ય વગરનો. જ્યારે નદીનું વહેણ સુકાઈ જવાની અણી પર હોય તો ય એની ધ્યેય લક્ષિતા અકબંધ રહે છે. સાહિત્યના સમાજ સંદર્ભ વિષે વિચારતી વખતે એક ગૃહીતને પાયામાં રાખીને ચાલવાનું છે અને તે એ કેઃ લિટરેચર નોટ ઓનલી રિફલેક્ટસ, ઈટ ઈલેવેટ્‌સ ટુ. સાહિત્ય, માત્ર પરાવર્તન કે પ્રેક્ષપ (પ્રોટેક્શન) નો ધર્મ બજાવીને બેસી રહે તે ન ચાલે, એણે તો સતત ઉત્ક્રાંત માનવ્યની ખોજ કરતા રહેવાનું છે. આ ગૃહીતના વિસ્તરણમાંંથી સર્જકતાને બે મહત્વના આયામો સાંપડે છેઃ
(૧) કેન્દ્રીયતા
(ર) દિશાલક્ષિતા 
મહાભારતમાં આતતાયીને હણવાની વાતને મહત્વ અપાયું છે. ગીતામાંય ભગવાન અર્જુનને સ્વધર્મનો ઉપદેશ આપીને યુદ્ધ માટે એટલે કે મહાસંહાર માટે તૈયાર કરે છે. આમ મહાભારતની કેન્દ્રીયતા ‘યુદ્ધ’ છે. એ જ મહાભારતમાં ‘અહિંસા પરમો ધર્મ’ એવું સૂત્ર પણ મળી રહે છે. ગીતામાં ‘અહિંસા’ શબ્દ ચાર વાર યોજાયો છે અને દૈવી સંપત્તિનાં લક્ષણોમાં ‘અહિંસા’ ને સ્થાન મળ્યું છે. મનુસ્મૃતિમાં પણ ‘આતતાયી બાળક હોય, વૃદ્ધ હોય કે બહુશ્રુત બ્રાહ્મણ હોય તોય તેને બેશક, વિચાર કર્યા વગર મારવો જ’, એવી સૂચના છતાંય સર્વવર્ણને માટે સામાન્ય એવા પાંચ સનાતન નીતિધર્મો પૈકી અહિંસાને પ્રથમ સ્થાન અપાયું છે (અહિંસા સત્યમસ્તેયંશૌચમ્‌ ઈન્દ્રિય નિગ્રહઃ) સરકાર પ્રેરિત, ક્રાંતિમૂલક અને જડબેસલાક રાષ્ટ્રીયતાના સંદર્ભમાંય સર્જક મૂઠી ઊંચેરો બનીને ‘સાબાર ઉપર માનુષ સત્ય’ ની ભાવનાથી આંદોલિત બની રહે છે. થોડા જ વખત પર બહાર પડેલાં બે પુસ્તકોની વાત કરી લઉં. આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરીના આ જમાનામાં ત્રાસવાદની પરાકાષ્ઠા પર આધારિત કોલિન્સ અને લાપિયરની નવલકથા ‘ધ ફિફ્થ હોર્સમેન’ માં આજની ખરબચડી વાસ્તવિકતાનું બયાન છે. લિબિયાના  પ્રમુખ તરફથી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને મળેલી જાસાચિઠ્ઠીમાં થોડાક કલાકોમાં જ જા અમુક શરતો પાળવામાં ન આવે તો ગુપ્ત અણુસાધન દ્વારા આખું ન્યુયોર્ક ખતમ કરવાની ધમકી આપવામાં આવે છે અને પછી છત્રીસ કલાકોની માનસિક યાતનાથી ભરેલી વ્હાઈટ હાઉસની, સી.આઈ. એ.ની તથા લશ્કરી વડાઓની ગડમથલની કથા શરૂ થયા છે. 
જેમ પ્રત્યેક વૃક્ષ ભૂમિનિષ્ઠ હોય છે તેમ સર્જનમાત્રની આધાર ભૂમિમાં વાસ્તવિકતાના ધબકારા હોવાના. આ સાચું ખરું પરંતુ એ ય સાચું કે પ્રત્યેક વૃક્ષ આકાશોન્મુખ હોય છે. વૃક્ષ જેમ ધરતીમય હોય છે તેમ આકાશમય પણ હોય છે. આૅસ્કાર વાઈલ્ડનું એક વાક્ય ટાંકીને હું મારું વક્તવ્ય સમેટી લેવા ઈચ્છું છુંઃ ‘ગટરમાં તો આપણે સૌ ઊભાં છીએ પરંતુ આપણામાંથી કેટલાંકની નજર આકાશના તારાઓ ભણી હોય છે. ’ ક્રાન્તદર્શી સર્જકોનું પણ એવું જ હોય છે!
– ગુણવંત શાહ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.