
ખેડબ્રહ્માનું મંદિર ભક્તોના દર્શન માટે આઠ કલાક બંધ રહેશે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ અંબિકા માતાજીનું મંદિર ચૈત્ર માસની નવરાત્રી શરૂ થવાને કારણે 20 માર્ચના રોજ ભક્તોના દર્શન માટે આઠ કલાક બંધ રાખવામાં આવશે. આ દરમિયાન પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં આસો અને ચૈત્ર માસની બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં પૂજન અર્ચન સાથે ઘટ્ટ સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચૈત્ર માસની નવરાત્રી 22 માર્ચના રોજ શરુ થશે. જેને લઈને 20 માર્ચના રોજ ખેડબ્રહ્મામાં આવેલું અંબિકા માતાજીનું મંદિર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી એટલે કે આઠ કલાક ભક્તો માટે બંધ રહેશે. આ આઠ કલાક દરમિયાન મંદિરમાં ચૈત્ર નવરાત્રીને લઈને પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.
આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપ રાઠોડે જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રીની શરૂઆત પૂર્વે મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવાની છે જેને લઈને 20 માર્ચ સોમવારે સવારે મંગલા આરતી બાદ મંદિર બંધ કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. આમ નવરાત્રી દરમિયાન સવારે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે અને આઠમના દિવસે હવન કરવામાં આવશે.