
સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી 2 તાલુકામાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વડાલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગુરુવારે સાંજના સુમારે કમોસમી વરસાદ વરસ્યો હતો.
જોકે ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદને લઈને ગરમીમાં ઠંડક પ્રસરી હતી. વડગામડા, થુરાવાસ, હિંમતપુર સહિત મોટા ભાગના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો. બીજી તરફ ખેતરમાં કમોસમી વરસાદને લઈને પશુઓ માટેનો ઘાસચારો પલળી જતા પશુપાલકોને નુકસાન થવાની વકી જોવા મળી હતી. તો ખેડબ્રહ્મામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખેડબ્રહ્મા અને વડાલી સિવાયના તાલુકામાં ભારે બફારા બાદ આકાશ વાદળોથી ઘેરાયું હતું. આમ હવામાન વિભાગની આગાહી હજી બે દિવસની કરવામાં આવી છે. ત્યારે 24 કલાકમાં બે તાલુકામાં વરસાદ નોધાયો છે. આ અંગે ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં આઠ તાલુકામાંથી બે તાલુકા એટલે કે ખેડબ્રહ્મામાં 3 મીમી અને વડાલીમાં 5 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો.