
સાબરકાંઠામાં સીસીટીવીમાં કેદ થયા ઈકોમાંથી પાકીટ ચોરનારા શખ્સો, દરામલીમાં પેટ્રોલ પંપ પરથી બે મોબાઈલ ચોરાયા
હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત પાસે એક દુકાન આગળ વાઘરોટાથી ઈકો લઈને માલ લેવા વ્યાપારીઓ આવ્યા હતા. દરમિયાન અજાણ્યા ઇસમે ઈકોમાંથી રોકડ અને દસ્તાવેજ સાથેનું પાકીટ ચોરી કરી લીધું હતુ. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામના વેપારી સાવન પરમાર ઈકો લઈને હિંમતનગરની જૂના જિલ્લા પંચાયત પાસે આવેલ ગણેશ સ્ટોરમાં મસાલાનો સામાન લેવા માટે આવ્યા હતા. તેઓ ઈકો દુકાન આગળ પાર્ક કરીને સામાન લેવા ગયા હતા. દરમિયાન અજાણ્યા ઈસમે ઈકોમાં રાખેલ પાકીટ ચોરી લીધું હતું. જેમાં રોકડા રૂ. 31 હજાર, બેન્ક ઓફ ઇન્ડિયાની ચેકબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, આરસી બુક તથા ચાર એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજો હતા.
અજાણ્યો ચોર પાકીટ ચોરી કરી લઈ ગયો ત્યારે ઘટનાસ્થળ પર બુમાબુમ થઈ હતી. પરતું અજાણ્યા ત્રણ ઈસમો પલ્સર બાઈક પર ભાગી ગયા હતા. ઈકોમાંથી ચોરી કરતા આ ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ અંગે સાવન પરમારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.