
ખેડબ્રહ્મામાં કારે ટક્કર મારતાં બાઇક સવાર માતા-પુત્રનું મોત
ખેડબ્રહ્માના એનએમ પેટ્રોલ પમ્પ આગળ ઇડર તરફથી આવતી કારે બાઇકને ટક્કર મારતાં માતા અને પુત્રનું ઘટના સ્થળે મરણ થયું હતું. જ્યારે પિતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખેડબ્રહ્માના વાસણા રોડ રહેતાં પ્રજાપતિ પારસભાઈ રેવાભાઈ અને તેમના પત્ની દર્શનાબેન તથા પુત્ર શિવમ રાત્રીના સોમવારે 10.30ની આસપાસ પોતાનું બાઇક નંબર GJ-19-CN-0033 ની લઈ પેટ્રોલ પુરાવા આવ્યા હતા અને પેટ્રોલ પુરાવી ઘરે જવા માટે નીકળેલ હતા.
ત્યારે ઇડર તરફથી આવતી હોંડા અમેઝ કાર નંબર GJ-23. CA- 6387ના ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પારસભાઈના બાઇકને ટક્કર મારી હતી.જેમાં ત્રણેય જણાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં દર્શનાબેન અને શિવમનું મરણ થયું હતું જ્યારે પારસભાઈને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમના માથાના ભાગે ઇજાઓ પહોંચી હોઈ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. કારે ટક્કર મારી પલટી મારી ગઈ હતી.