![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/09-17.jpg)
હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો સમારોહ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પત્રકારોનો સ્નેહમિલન અને શુભેચ્છા સમારોહ ગુરુવારે રાત્રે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો અને માહિતી કચરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિક્રમ સંવતના નવા વર્ષે નિમિતે પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ અને સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા હરીશ પરમારની સહાયક માહિતી નિયામક તરીકે બઢતી સાથે અમદાવાદ માહિતી કચેરી ખાતે બદલી થતા શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી સહીત મોટી સંખ્યામાં અને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહિતની વિવિધ માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. બઢતી સાથે બદલી પામનાર હરીશ પરમારને ફૂલચડી આપી શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિન્હ આપી પત્રકારોએ અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને હસ્તે શુભેચ્છાઓ આપી હતી.હિંમતનગર માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમની દોર સાંભળી હતી. ત્યારબાદ એક પછી એક પત્રકારોએ સૌને નવા વર્ષના અભિનંદન આપી હરીશ પરમાર અને કચેરી સાથેની યાદો વાગોળી હતી. અને કહ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરીના હરીશ પરમાર સાડા તેર વર્ષ દરમિયાન અધિકારી નહિ પરંતુ સૌના મિત્ર થઈને તંત્ર અને પત્રકારોના સેતુ બન્યા હતા.