
હિંમતનગર યુનિયન બેંકમાંથી ચોરી કરનાર 2 શખ્સો ચોરીના મોબાઈલ સાથે ઝડપાયા…
હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાંથી ચોરી કરીને બે ઇસમો મોબાઇલ વેચવા માટે બજારમાં ફરી રહ્યાની બાતમીના આધારે બે શખ્સોને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરની યુનિયન બેંકમાંથી બે શખ્સોએ મોબાઇલની ચોરી કરી નાસી ગયાની ફરિયાદ બી ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી.
જેની તપાસ માટે પીએસઆઇ ડી.સી. પરમાર તથા D-સ્ટાફના માણસો કૃષ્ણસિંહ,રાકેશકુમાર,હરપાલસિંહ,ધરમવીરસિંહ અને કીર્તિરાજસિંહ અલગ અલગ ટીમો બનાવી મોબાઇલની દુકાનો પર તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન કૃષ્ણસિંહ તથા ધરમવિરસિંહને બાતમી મળી હતી કે બે શખ્સો જેમાંથી એક શખ્સે વાદળી રંગની અડધી બાઇની ટી-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલુ છે તથા બીજા શખ્સે ગુલાબી કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા રંગનુ પેન્ટ પહેરેલ છે.
જે જુના બજાર વિસ્તારમા મોબાઇલ વેચવા ફરે છે તે બન્ને શખ્સોને કોર્ડન કરી પુછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તેમણે તેમનુ નામ કમલેશસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ.38, રહે.મકવાણા ફળીયુ, માંકડી) તથા અન્ય શખ્સ મીનહાંજભાઇ કયુમભાઇ શેખ (ઉ.વ.૩૬, રહે.ઇન્દીરાનગર, બામણા, તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા)ને ઝડપી લઇ તપાસ કરતા તેમણે યુનિયન બેંક શાખામાંથી એક ગ્રાહકની નજર ચુકવીને મોબાઇલ ફોન ચોરયો હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ચોરી કરેલ મોબાઇલ કિંમત રૂપિયા ૧૦ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.