નજર ચૂકાવીને પકડેલો આરોપી નાસી ગયો બાદમાં આરોપી ને પકડી કોર્ટમાં રજૂ કરાયો

પાટણ
પાટણ

પાટણ શહેર ‘એ’ ડીવીઝન પોલીસે બે દિવસ પૂર્વે પાટણનાં મોતીશા ગેટ વિસ્તારમાં થયેલી મારામારીનાં એક બનાવનાં આરોપીને પકડી તેની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ફરજ પરનાં લોકરક્ષક દળનાં પોલીસ કર્મચારી પારસભાઈની નજર ચૂકવીને તા. 19મીના રોજ સવારે સાડા અગિયાર વાગે આરોપી નાસી ગયો હતો. પોલીસે તેની સામે ફરીયાદ નોંધાવી હતી. જો કે, આ આરોપીને બાદમાં પકડી લીધો હતો. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં તાજેતરમાં મારામારીઓની ઘટનાઓ થઈ હતી. જેમાં પોલીસે ત્રણ અલગ અલગ સમયે પણ ગુના નોંધ્યા હતા. તેના કુલ છ આરોપીઓને પકડીને અત્રેની કસ્ટડીમાં રાખ્યા હતા. આ આરોપીઓની ઓનલાઈન ફિંગર ફોટો અપલોડ કરવાની કામગીરી બાકી હોવાથી લોકરક્ષકદળનાં પોલીસકર્મી પારસભાઈએ આ આરોપીઓનો કબજો લોકઅપમાંથી અત્રેનાં પી.એસ.ઓ. પાસેથી મેળવ્યો હતો. પોલીસ સ્ટેશનના ઉપલા માળે કોમ્પ્યૂટર રૂમમાં આરોપીઓને તેમનાં ફોટા તથા ફિંગર ઓનલાઇન અપલોડ કરવા લઈ ગયા હતા.

આ કામગીરી દરમ્યાન મારામારીનાં એક ગુનાનાં આરોપી અરૂણ બાબુભાઈ છગનભાઈ પટ્ટણી રે. ગુલશનનગરની બાજુમાં પાટણવાળાની તા. 18-2-2024 નાં રોજ તેની આ ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. ગુનાની દફતરી કામગીરીમાં વ્યસ્ત રહેતા પોલીસકર્મીની નજર ચૂકાવીને પકડેલો આરોપી અરૂણ પટ્ટણી નાસી ગયો હતો. જે ધ્યાને આવતાં તેની તપાસ કરતાં તે મળ્યો નહોતો.

આ બનાવ અંગે પોલીસે નાસી ગયેલા આરોપી સામે આઇપીસી 224 મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેની તપાસ હાથ ધરતાં પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો આરોપી અરૂણ પટ્ટણીને પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. અરૂણને કસ્ટડીમાંથી ભાગી જવાના આઇપીસી 224 તથા તેની સામેનાં અગાઉનાં આઇપીસી 326 નાં બંને ગુનામાં પોલીસે અટકાયત કરીને તેને પાટણની જ્યુડિસીયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેણે જામીન અરજી મૂકી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.