
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ઉમેદવારોએ પાટણમાં ચક્કાજામ કર્યો, 5 ઉમેદવારોની અટકાયત કરી
રાજ્યમાં આજે 11:00 વાગ્યે જુનિયર ક્લાર્કની પરીક્ષા શરૂ થવાની હતી, જોકે, તે પૂર્વે જ પેપર ફૂટ્યું હોવાનું સામે આવતા પરીક્ષા રદ કરવામાં આવી છે. પાટણમાં 31,000 જેટલા વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેથી વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવાર પહોંચી ગયા હતા. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરી હોવાની જાહેરાત કરતા જ ઉમેદવારોને ભારે ઝટકો લાગ્યો હતો અને ફરી એકવાર પરીક્ષા પૂર્વે પેપર ફૂટતા ઉમેદવારોમાં ભારે રોષ ફૂટી નીકળ્યો છે.
પાટણ શહેરમાં ટીબી ત્રણ રસ્તા ઉપર ઉમેદવારોના ટોળા એકઠા થયા હતા. જે પૈકી કેટલાક ઉમેદવારોએ ભારે રોષે ભરાઈને ચક્કાજામ કરી ભાજપ સરકાર હાય હાય ના નારા સાથે ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે પાંચ જેટલા ઉમેદવારોની અટકાયત કરી ટોળું વિખેરી રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.