પાટણમાં જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બે કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ

પાટણ
પાટણ

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે પાટણ જિલ્લામાં બે કડિયાનાકા પર આજરોજ ભોજન કેન્દ્રોનો શુભારંભ મંત્રીબલવંતસિંહ રાજપુત(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર)ના વરદ્ હસ્તે કરવામાં આવ્યો. જેમાં માત્ર રૂ. 5ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. જિલ્લાનાં ગણપતિ મંદિરની બાજુમાં આવેલા સુભાષચોક અને ગોળ શેરી નાકાં પર આ ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે. સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે. આજરોજ મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ ભોજન ગ્રહણ કર્યું હતુ.

ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોને સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સરકારશ્રમિક ભાઈ-બહેનોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અત્યાર સુધી 1.24 કરોડ કરતાં વધારે ભોજનોનું વિતરણ કરવામાં આવેલ છે. હાલમાં કુલ 105 જગ્યાઓએ આ યોજના અંતર્ગત પોષણક્ષમ આહાર આપવામા આવી રહ્યો છે.

પાટણ જિલ્લામાં આગામી સમયમાં ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, હારીજમાં ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે. તેમજ ભોજન કેન્દ્ર પર ધન્વંતરિ રથ મારફતે શ્રમિકોને આરોગ્યની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. જે શ્રમિકો પાસે ઇ-કાર્ડ ન હોય તેઓને 15 દિવસ સુધી ટોકન મારફતે ભોજન આપવામા આવશે. આગામી સમયમાં જિલ્લામાં જે શ્રમિકો બહારથી આવે છે તેઓ માટે રહેવાની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

પાટણના ગણપતિ મંદિરની બાજુમાં આવેલા સુભાષચોક પર ભોજન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના હાથેથી શ્રમિકોને ભોજન પીરસ્યું હતુ તેમજ પોતે પણ ભોજન ગ્રહણ કરીને ઉપસ્થિત શ્રમિકો સાથે વાતચીત કરી હતી. સુભાષચોક ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય રાજુલબેન દેસાઈનાં હસ્તે પાટણના ગોળ શેરી નાકાં પર સધીમાતાના મંદિર સામે પણ ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનો બહોળી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો.

શ્રમિકો માટે ભોજન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય રાજુલબેન દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, શ્રમ અધિકારી મનસ્વીબેન કથિરીયા, આગેવાનો કિશોરભાઈ મહેશ્વરી, જશુભાઈ, લાલજીભાઈ દેસાઈ, તેમજ શ્રમ નો સ્ટાફ અને બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.