પાટણમાં બાળ મજુરી કરતા માટે રોજગારલક્ષી વર્કશોપ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી શ્રમ અધિકારીની કચેરી પાટણ દ્વારા બાળ મજુરીમાંથી મળી આવેલા તરૂણો માટે કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં છેલ્લા બે વર્ષમાં બાળ મજુરી કરતાં 15 થી 19 વર્ષના તરૂણો તેમજ તેઓના વાલીઓને મજુરી છોડીને ભણતર મેળવીને રોજગાર કઈ રીતે મળી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો કાર્યક્રમ છે કે જ્યાં બાળ મજુરીમાંથી મુક્ત કરાવેલ તરૂણો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આપણે સૌ જાણીએ છીએ તેમ બાળ મજુરી કરવી અને કરાવવી એ એક ગુનો છે. પરંતુ આજે પણ રાજ્યમાં બાળ મજુરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. પાટણ જિલ્લામાં પણ આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. અવારનવાર રેડ કરીને આવા બાળકો અને તરૂણોને મુક્ત પણ કરાવવામાં આવતાં હોય છે. પરંતુ તેઓને એક જગ્યાએથી મુક્ત કરાવ્યા બાદ શુ? તેઓ બીજી જગ્યાએ મજુરી કરવા માટે જતા રહેતા હોય છે. આવું ન થાય તે માટે પાટણ જિલ્લા દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રથમ વાર એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા બાળકો અને તરૂણો બીજી વાર મજુરી કરવા માટે ન જાય તેમજ તેઓનું ભવિષ્ય ઉજળું બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી શ્રમ અધિકારીની કચેરી પાટણ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ વર્કશોપમાં ITIજિલ્લા રોજગાર કચેરી, તેમજ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા નાં અધિકારીઓ દ્વારા તરૂણો અને તેઓના વાલીઓને તેઓની સંસ્થા દ્વારા કઈ-કઈ તાલીમ આપવામાં આવે છે, તાલીમ દ્વારા કયા ક્ષેત્રમાં રોજગારી મેળવી શકાય છે, તાલીમનો સમયગાળો વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આજની વર્કશોપમાં તરૂણો પોતાની અંદરની આવડતને ઓળખીને કૌશલ્ય પર આધારીત તાલીમ લઈને એ ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ વર્કશોપનો ભાગ બનેલા 16 વર્ષના સગીર સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તે પણ એક હોટેલ પર મજુરી કરતો હતો. પરંતુ સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા તેને મુક્ત કરાવ્યા બાદ આજે તે આ વર્કશોપમાં આવ્યો અને તાલીમ મળવીને ખુબ ખુશ થયો છે.સગીરે વધુમાં જણાવ્યું કે આજે તેને ખબર પડી કે ITI જિલ્લા રોજગાર કચેરી, તેમજ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના કોર્ષ ચલાવવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, હું પણ હવે જીવનમાં ક્યારેય ખોટી મજુરી નહીં કરૂ અને ભણતર મેળવીને કઈંક કરી બતાવીશ.જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન તેમજ જિલ્લા વહીવટીતંત્ર બાળ મજુરી કરતા પકડાયેલા બાળકો અને તરૂણો ક્યારેય ફરીથી મજુરી ન કરે અને ભણતર મેળવીને આગળ વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની પ્રેરણાથી આયોજીત આજની વર્કશોપનો ઉદેશ્ય બાળ મજુરીને સંપૂર્ણપણે નાબુદ કરીને બાળકો અને તરૂણોના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો.આજની વર્કશોપમાં યુનિસેફ સ્ટેટ કન્સલટન્ટ બિનલ પટેલ દ્વારા પણ તરૂણો અને વાલીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા તરૂણોએ પોતાના જીવનમાં કૌશલ્યવિકાસ પર ભાર મુકવો જોઈએ તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આજની વર્કશોપમાં યુનિસેફ સ્ટેટ કન્સલટન્ટ બિનલ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતી, જિલ્લા સરકારી શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા, જિલ્લા રોજગાર અધિકારી એચ.એચ.ગઢવી, ITI પાટણના આચાર્ય પી.સી.પટેલ, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણના ફેકલ્ટી મુકેશભાઈ ઠાકોર, તેમજ બહોળી સંખ્યામાં તરૂણો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.