135 પાટણવાડા વણકર સમાજ પંચ પરગણા દ્વારા સામાજિક સંયુકત બંધારણ બનાવવામાં આવ્યું

પાટણ
પાટણ

પ્રિ-વેડીંગ, રીંગ સેરમની, હલ્દી રસમ, વરઘોડો, ડી.જે., બેન્ડવાજા બંધ કરાયા, આગામી સમયથી ચુસ્ત પાલન કરવા સંકલ્પના વ્યક્ત કરી

135 પાટણવાડા વણકર સમાજ પંચ પરગણાનાં નવીન ઘડાયેલા સંયુક્ત બંધારણની પત્રિકાનું પાટણ સ્થિત વણકર સમાજ ભવન (વાડી) ખાતે સમાજના આગેવાનો અને વિવિધ ગામોના પ્રતિનિધિઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ નવીન સંયુક્ત બંધારણ પત્રિકાનો અમલ આગામી તા. 1/6/2024 થી કરવામાં આવશે. તેમ 135 પાટણવાડા વણકર સમાજ પંચ પરગણા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

135 પાટણવાડા વણકર સમાજ પંચ પરગણાના ધિણોજ અને વાડી મુખ્ય બે ભાગની એકતા કરીને નવિન સામાજિક સંયુકત બંધારણ બનાવવામાં આવ્યું છે. જેમાં સમયના બદલાવ અને સમયની માંગને અનુરૂપ વણકર સમાજમાં થતાં ખોટા ખર્ચા નિયંત્રિત કરવા તેમજ કુરિવાજોને તિલાંજલિ આપવા મહત્વપૂર્ણ સામાજિક સુધારાને સ્થાન આપવામાં આવ્યું છે. સમાજે આ નવી પત્રીકા (સામાજીક બંધારણ) ને વધાવી લઈ આગામી સમયથી તેનું ચુસ્ત રીતે પાલન કરવા સંકલ્પના વ્યક્ત કરી છે.

135 પાટણવાડા વણકર સમાજનું ધિણોજ પંચ અને વાડી પંચનું સંયુક્ત સુધારા-વધારા સાથેનું સંયુકત બંધારણ તારીખ 26/02/2024 ને સોમવારના રોજ વણકર સમાજ ભવન હાંસાપુર, પાટણ ખાતે સમાજના મોટી સંખ્યામાં હાજર રહેલા અગ્રણીઓ અને સમાજબંધુઓની ઉપસ્થિતિ વચ્ચે નક્કી કરવામાં આવ્યું હતું.

સમાજના નાનામાં નાના માણસો ઓછા ખર્ચમાં પ્રસંગ કરી શકે તે માટેનું ધ્યાન રાખીને તેમજ સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજ ઓછા સમયમાં આધુનિક રીતે પ્રસંગ કરી શકે તે માટે લોકોના સૂચનો લઈને યોગ્ય કાર્યવાહી કરીને બંધારણના નિયમ બનાવ્યા હતા. સૌએ આજના આધુનિક યુગમાં ખૂબજ ઉમદા સામાજિક બંધારણ અમલમાં લાવવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

સમાજના નવિન સંયુક્ત સામાજિક બંધારણમાં કરવામાં આવેલા સુધારાઓ પૈકી લગ્ન પ્રસંગે જાનમાં ડીજે, વરઘોડો, બેન્ડવાજા બંધ કરી જે ભંગ કરશે તેને સામાજિક દંડ અને સજા થશે. ઢોલ, શરણાઈ તેમજ નાશિક ઢોલ જેવા વાજિંત્રો લાવી શકાશે. પ્રિ-વેડિંગ, રિંગ સેરેમની, હલ્દી રસમ બંધ પરંતુ સાદી પીઠી, મહેંદી રસમ ધરે કરવી., મામેરામાં બુટ્ટી, પાયલ, ચુની એમ ત્રણ દાગીના અને રૂ. 51000 આપવા પરંતુ એનાથી વધુ રોકડ રકમ આપી શકાશે. દાપાની રકમ રૂ.535 નક્કી કરાઇ છે. આ ઉપરાંત વિધવા સ્ત્રીને કોઈપણ શૃંગાર, કપડાં પહેરવા છૂટ સહિત મહત્વના સુધારા કરાયા છે જેને સૌએ આવકારી સમાજના નવા બંધારણને વધાવી લીધું હતું. સમાજની નવી પત્રીના વિતરણ કાર્યક્રમમા સામાજીક આગેવાનો, કાર્યકરો તેમજ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.