સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ પોલિટેકનિક, ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા કેદારનાથ (જેસોર), તા. અમીરગઢ, જી. બનાસકાંઠા ખાતે શૈક્ષણિક તથા સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે ટ્રેકિંગનું આયોજન માન.કુલપતિની પ્રેરણા તથા નિયામક, વિદ્યાર્થી કલ્યાણ અને આચાર્ય અને વિદ્યા શાખાધ્યક્ષ (કૃષિ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની સાથે શારીરિક તંદુરસ્તી, સાહસિકતા, ટીમવર્ક, શિસ્ત અને પર્યાવરણ જાગૃતિ જેવા મહત્વપૂર્ણ ગુણોનો અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ મુશ્કેલ ચઢાણ દરમિયાન એકબીજાને સહયોગ આપીને સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એન.એસ.એસ. પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં “સેવા, શિસ્ત અને સામાજિક જવાબદારી” ની ભાવના વિકસાવવાનો છે. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે પણ જાગૃતિ કેળવી હતી. વિદ્યાર્થીઓએ જેસોરને અનુરૂપ વૃક્ષોની પ્રજાતિના સીડ બોલ બનાવી ટ્રેકિંગ દરમિયાન આ સીડ બોલને જંગલમાં જુદી જુદી જગ્યાએ ફેલાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કૃષિ પોલિટેકનિક, ડીસાના આચાર્ય, ડૉ. મનીષા એસ. શિંદે, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ટી.એ.દેસાઇ, ડૉ.આર.વી.જોષી, ડૉ.ડી.એમ.ડાભી તથા ડૉ. હર્ષિત પાલીવાલના દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





