રસ્તો રોકતા પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત
ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર દુર્ઘટનાના વિરોધમાં આજે થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન થરાદ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધરણા પ્રદર્શન બાદ રોષે ભરાયેલા કાર્યકરો થરાદના વ્યસ્ત એવા ત્રણ રસ્તા સર્કલ પર પહોંચ્યા હતા. અને ત્યાં રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો હતો. આ રસ્તાવરોધના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે રાહદારીઓ અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા.વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ ટ્રાફિકને પૂર્વવત અને ક્લિયર કરવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી અને ટ્રાફિક વ્યવહારને ફરી સુચારુ બનાવ્યો હતો.





