પાલનપુર નગરપાલિકા વોર્ડ નં. 6માં રોગચાળાની દહેશત: તાત્કાલિક પાણીના ટેસ્ટની માંગ
પાલનપુરના અંબિકાનગર વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની રાવ ઉઠી છે રહેવાસીઓના આક્ષેપ મુજબ નળમાં સાબુવાળું અને ગંદુ પાણી આવતાં નાના બાળકો તથા વૃદ્ધોના આરોગ્યને જોખમ ઊભું થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. નગરપાલિકા તંત્ર તાત્કાલિક પાણીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટ કરાવે, પાણી- ગટર લાઈનોનું નિરીક્ષણ કરી ગંદા પાણીના મિશ્રણનું કારણ શોધે અને જરૂરી સમારકામ કરે તેવી માંગ ઉઠી છે. પીવાના પાણી જેવી પાયાની સુવિધામાં બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે નગરપાલિકા તંત્ર આ ગંભીર ફરિયાદનો કેટલો ઝડપથી ઉકેલ લાવે તે જોવાનું રહ્યું.





