ભાભર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ અને આસપાસના તાલુકાનું વરસાદી પાણી ભરાવાને કારણે ખેતીવાડીને ભારે ફટકો પડ્યો છે. ઠેર ઠેર કેનાલો તૂટી જતાં જમીન ધોવાણ સાથે ઉભા પાકો પણ પાણીમાં તણાઈ ગયા છે.
કયા પાકને સૌથી વધુ નુક્સાન ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે વાવવામાં આવેલા મુખ્ય ત્રણ પાકને સૌથી વધુ નુક્સાન થયું છે. એરંડા, જુવાર અને મગફળી ના પાક 80% થી વધુ બરબાદ થઈ ગયા હોવાનો અંદાજ છે. હજુ પાક તૈયારીમાં હતો ત્યારે જ આ સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નુક્સાનની જાણ થતા જ આજે સવારથી ખેડૂતો ખેતરોમાં પહોંચીને નુક્સાનનો તાગ મેળવી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. "મહેનત અને ખર્ચ બધું પાણીમાં ગયું. જો હમણાં સર્વે અને સહાય નહીં મળે તો આખું વર્ષ કેવી રીતે ચલાવવું?" એવી લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.
હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં તલાટી અને કૃષિ અધિકારીઓની ટીમ દ્વારા ગામવાર નુક્સાનીનો અહેવાલ તૈયાર કરાશે તેવી ખેડૂતો ની માંગ છે.આ ઘટનાથી ભાભરના સેંકડો ખેડૂત પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી છે.





