ફિલ્મી ઢબે પીછો કરવા છતાં કાર ચાલક પોલીસને હાથ તાળી આપી ફરાર
પોલીસે રૂ.5.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
બનાસકાંઠા જિલ્લામાં ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે એલસીબી પોલીસે મડાણા (ગઢ) ગામની સીમમાં દાંતીવાડા મેઇન કેનાલના પુલિયા પાસે નાકાબંધી કરી હતી. જોકે, પોલીસથી બેખોફ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. પોલીસે પીછો કરતા કાર ચાલક દલવાડા ગામની સીમમાં કાર મૂકી પોલીસને હાથ તાળી આપી ફરાર થઇ ગયો હતો. અંતે એલસીબી પોલીસે કારમાં થી દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૫,૯૧,૬૭૨નો મુદ્દામાલ કબજે કરી આત્મ સંતોષ માન્યો હતો.
એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે મડાણા (ગઢ) ગામની સીમમાં દાંતીવાડા મેઇન કેનાલના પુલિયા પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ સમયે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર રોકી ન હતી. પોલીસે તેનો પીછો કરતાં દલવાડા ગામની સીમમાં ચાલક કાર રોડની સાઇડમાં મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ ૧,૨૨૪ બોટલ, કિંમત રૂ. ૨,૯૧,૬૭૨ મળી આવી હતી. ઉપરાંત સ્વિફ્ટ ડિઝાયર કાર કિંમત રૂ. ૩ લાખ મળી કુલ રૂ. ૫,૯૧,૬૭૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ગઢ પોલીસ સ્ટેશનમાં ગુના નં. ૧૧૧૯૫૦૨૪૨૬૦૭૨૫/૨૦૨૬, પ્રોહિ. કલમ ૬૫એઇ, ૧૧૬(૨), ૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાડીનો ચાલક ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.





